વડોદરાના રાવપુરા અને કારેલીબાગ વિસ્તારમાં રવિવારની રાત્રે સામાન્ય રોડ અકસ્માત બાદ બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. બે જૂથ આમને સામને આવી જતા રાવપુરામાં સાંઈ બાબાની મૂર્તિ પણ ખંડીત થઈ હતી, કેટલાક વાહનોમાં તોડફોડ કરાઈ હતી અને ઘરોને પણ નુકસાન થયું હતું. વડોદરા પોલીસે જણાવ્યું હતું કે શહેરમાં બનેલી તોફાનની ઘટનામાં રાવપુરા પોલીસ સ્ટેશન અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. જૂથ અથડામણની બે ઘટનાઓમાં કુલ 22 લોકોની ધરપકડ કરીને પોલીસે કાર્યવાહી કરી હતી.

પોલીસે જણાવ્યું હતું કે, “રાવપુરા અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં રાયોટિંગના ગુના નોંધવામાં આવ્યા હતા. કારેલીબાદ પોલીસ સ્ટેશનમાં 19 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફરી કોઈ છમકલું ના થાય તે માટે પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર પોલીસ દ્વારા બે SRP કંપનીઓની મદદ લેવામાં આવી હતી. આ ઘટના પ્રી-પ્લાન હતી કે પછી અચાનક બની હતી તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં હાથ ધરવામાં આવી હતી.

શેહેરના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા મીરાન સૈયદે ફરિયાદ નોંધાવી હતી કે, ગઈકાલે રાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે હું મારા મિત્ર સેહબાજઅલી કાદરી સાથે ન્યાયમંદિર ઝમઝમ ટી સ્ટોલ ખાતે ચા પીવા માટે નીકળ્યો હતો. આ દરમિયાન અમદાવાદી પોળના નાકે 08 થી 10 વ્યક્તિઓએ અમને રોકી વાંક વગર ટોળાં પૈકીના એક વ્યક્તિએ કઈ પણ બોલ્યા વગર એક્ટિવા ચાલક સેહબાજઅલીને લોખંડની પાઇપ ફટકારી હતી. ત્યારબાદ મને પણ માર માર્યો હતો. આ હુમલામાં મને તથા મારા મિત્ર સેહબાજઅલી અને બિલાલ સૈયદને ઈજાઓ પહોંચી હતી. પ્રાચીબેન રાવળે ફરિયાદ નોંધાવી હતી કે, અમે ઘર આંગણે બેઠા હતા તે સમયે 40 જેટલા વ્યક્તિઓનું ટોળું ધસી આવ્યું હતું.જેમાં મોઇન શેખ, વારીસ શેખ, પપ્પુ શેખ , શાબિર શેખ તથા અન્ય વ્યક્તિઓ ટોળામાં હતા.