મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ 17 એપ્રિલથી એક સપ્તાહ લાંબી ભારતની મુલાકાતે આવ્યા છે. ભારતની તેમની મુલાકાત દરમિયાન તેઓ 18 એપ્રિલે રાજકોટની મુલાકાત લેશે. રાજકોટમાં તેમના સ્વાગત માટે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથ 17 થી 24 એપ્રિલ સુધી ભારતના પ્રવાસે છે. જુગનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણને પગલે ભારતની મુલાકાતે આવ્યા છે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગનાથની સાથે તેમની પત્ની કોબિતા જુગનાથ અને એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. તેમની મુલાકાતનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના ગતિશીલ સંબંધોને વધુ મજબૂત કરવાનો છે. ભારત અને મોરેશિયસ ઇતિહાસ, સંસ્કૃતિ અને વારસામાં ઘણી સમાનતા ધરાવે છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પ્રવિંદ કુમાર જગન્નાથ 19 એપ્રિલે જામનગરમાં WHO-ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનના શિલાન્યાસ સમારોહમાં વડાપ્રધાન મોદી સાથે અને 20 એપ્રિલે ગાંધીનગરમાં ગ્લોબલ આયુષ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઇનોવેશન સમિટમાં ભાગ લેશે. મોરેશિયસના વડાપ્રધાન તેમની મુલાકાત દરમિયાન વારાણસી પણ જશે.

રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ પત્રકાર પરીષદમાં જણાવ્‍યું હતું કે રાજકોટ એરપોર્ટથી રાજીવ ગાંધી સર્કલ સુધી અંદાજિત બે કિલોમીટરના રોડ શોનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર તથા અન્‍ય સંસ્‍થાઓના સહયોગથી કરવામાં આવ્‍યું છે, જે દરમિયાન કુલ ૨૫ સ્‍ટેજ ઉપરથી વિવિધ રંગારંગ કાર્યક્રમો રજુ કરવામાં આવશે, જે પૈકી ૧૦ સ્‍ટેજ પરથી સાંસ્‍કૃતિક કાર્યક્રમો તેમજ ૧૫ સ્‍ટેજ પરથી વિવિધ સંસ્‍થાઓ દ્વારા લોક સંસ્‍કૃતિ તથા નૃત્‍યના કાર્યક્રમો રજૂ કરવામાં આવશે.

સમગ્ર રોડ શો દરમ્‍યાન પ્રાચીન ગરબા, તલવાર રાસ, નાસીક ઢોલ, કથ્‍થક નૃત્‍ય, ગણેશ વંદના, સીદ્દી નૃત્‍ય, વંદે માતરમ, લોકનૃત્‍ય વગેરેની રજૂઆત વિવિધ સંસ્‍થાઓ તથા શાળા કોલેજના છાત્રો દ્વારા કરવામાં આવશે. રોડ-શો ના વિવિધ સ્‍પોટ પર આત્‍મીય કોલેજ, મારવાડી કોલેજ, આર.કે. યુનિવર્સિટી, જીનીયસ સ્‍કુલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઈન્‍ડીયન મેડીકલ એસોસિએશન, પી.ડી.યુ. મેડિકલ કોલેજ, અર્જુનલાલ હિરાણી કોલેજ ભગિની સેવા ફાઉન્‍ડેશન, ધોળકિયા સ્‍કૂલ તથા તાલાળા ગીરની સંસ્‍થાના સભ્‍યો દ્વારા આમંત્રિતોનું ઉષ્‍માસભર અભિવાદન કરવામાં આવશે.