પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ચીનના બ્રોડકાસ્ટિંગ રેગ્યુલેટર નેશનલ રેડિયો એન્ડ ટેલિવિઝન એડમિનિસ્ટ્રેશને પ્રસારણ સંબંધિત માર્ગદર્શિકાના ભંગ બદલ બીબીસી વર્લ્ડ ન્યૂઝ સામે ચીનમાં પ્રતિબંધ ફરમાવ્યો છે. સમાચારો સાચા, વાજબી અને ચીનના રાષ્ટ્રીય હિતોને નુકસાનકર્તા ના હોવા જોઇએ તેવી માર્ગદર્શિકાનો ભંગ થયાનું જણાવાયું હતું.

બીબીસી વર્લ્ડ ન્યૂઝે ત્રીજી ફેબ્રુઆરીએ પ્રસારીત કરેલા અહેવાલમાં ચાઇનીઝ છાવણીઓમાં ઉઇગર મહિલાઓ સામેના અત્યાચારો, જાતિય હિંસા સહિતની વિગતો આપી હતી. ચાઇનીઝ રેગ્યુલેટરે જણાવ્યું હતું કે, બીબીસીને ચીનમાં તેનું પ્રસારણ ચાલુ રાખવાની મંજૂરી નથી અને પ્રસારણ માટેની બીબીસીની નવી અરજી પણ સ્વીકાર્ય નથી.

બીબીસીના મહિલા પ્રવક્તાએ આ નિર્ણય અંગે નિરાશા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી વધારે વિશ્વાસુ ન્યૂઝ પ્રસારક દ્વારા ભય, ભીતિ, પક્ષપાત કે તરફેણ વિના જે તે ઘટનાના અહેવાલો પ્રસારિત કરવાની બીબીસીની નીતિ છે. બીબીસીના ત્રીજીના અહેવાલમાં ઉઇગર મુસ્લિમ મહિલાઓને વીજળીના આંચકા અપાતા હોવાનું, તેમના ઉપર સામૂહિક બળાત્કાર ગુજારાયા હોવાનું, કુટુંબનિયોજનના ઓપરેશનોની ફરજ સહિતના દમનનો ભોગ બનાવાયાનું જણાવાયું હતું. ચીનના વિદેશ મંત્રાલયે બીબીસીના તપાસ અહેવાલને ખોટો ગણાવ્યો હતો. દરમિયાનમાં અમેરિકાના વિદેશ ખાતના પ્રવક્તાએ ઉઇગર મુસ્લિમો સામેના બૈજિંગના દમનનો અગાઉ (ટ્રમ્પ)ના તંત્રનો વિચાર દોહરાવ્યો હતો. બીબીસીના અહેવાલથી ગુસ્સે ભરાયેલા ઓસ્ટ્રેલિયન રાજકારણીઓએ ઉઇગરોની છાવણીઓવાળા શિન્જિયાંગની મુલાકાત યુએન માનવ અધિકાર ઇન્સ્પેક્ટરો લઇ શકે તેવી મંજૂરી આપવા ચીનને જણાવ્યું હતું.