(istockphoto.com)

કોરોના મહામારી વચ્ચે લોકો આરોગ્યની સુરક્ષા માટે સાવધ બન્યા હોવાથી ભારતમાં છેલ્લા પાંચ મહિનામાં સાયકલના વેચાણમાં આશરે બે ગણો ઉછાળો આવ્યો છે. ઉત્પાદકોએ જણાવ્યું હતું કે માગમાં જંગી ઉછાળાને પગલે ઘણા શહેરોમાં સાઇકલની ખરીદી માટે વેઇટિંગ ચાલે છે.

ઓલ ઇન્ડિયા બાયસિકલ મેન્યુફેચર્સ એસોસિએશન (AICMA).ના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષના મેથી સપ્ટેમ્બરમાં કુલ ૪૧,૮૦,૯૪૫ સાયકલોનું વેચાણ થયું છે. દેશમાં પ્રથમ વખત આવી સ્થિતિ જોવા મળી રહી છે અને તેની પાછળનું કારણ કોરોનાને કારણે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે વધારે જાગૃતી છે.

એઆઇસીએમએના સેક્રેટરી જનરલ કે બી ઠાકુરના જણાવ્યા અનુસાર સાયકલની માગમાં જોવા મળેલો વધારો અભૂતપૂર્વ છે. મારા મતે ઇતિહાસમાં પ્રથમ વખત સાયકલની માગમાં આટલો મોટો વધારો જોવા મળ્યો છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા પાંચ મહિનામાં સાયકલની માગમાં ૧૦૦ ટકાનો વધારો થયો છે. ઘણા સ્થળોએ લોકોને પોતાની પસંદગીની સાયકલ ખરીદવા માટે રાહ જોવી પડી રહી છે કારણકે માગ વધારે હોવાથી અગાઉથી બુકિંગ થઇ ગયું છે.
એઆઇસીએમએના આંકડા અનુસાર મેમાં ૪,૫૬,૮૧૮ સાયકલો વેચાઇ હતી. જૂનમાં સાયકલનું વેચાણ ડબલ થઇને ૮,૫૧,૦૬૦ રહ્યું હતું. સપ્ટેમ્બર મહિનામાં ૧૧,૨૧,૫૪૪ સાયકલો વેચાઇ હતી. છેલ્લા પાંચ મહિનામાં કુલ ૪૧,૮૦,૯૪૫ સાયકલો વેચાઇ હતી.