અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને વાવાઝોડાગ્રસ્ત ન્યૂયોર્ક અને ન્યૂ જર્સીની મુલાકાત બાદ મીડિયા સાથે વાતચીત કરી હતી. (Photo by Kevin Dietsch/Getty Images)

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડનને ચેતવણી આપી હતી કે ક્લાઇમેટ ચેન્જથી 10 કરોડ અમેરિકન પર ખતરો ઊભો થયો છે. અમેરિકામાં તાજેતરમાં વાવાઝોડાના કારણે ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને લુઇસિયાનામાં ભારે તબાહી સર્જાઈ છે ત્યારે બાઈડને કહ્યું હતું કે, હવે ક્લાઈમેટ ચેન્જ અંગે સમજવાની જરુર છે. વાવાઝોડાથી પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત દરમિયાન બાઈડને કહ્યું હતું કે, હવે સમય આવી ગયો છે કે, આપણે વૈજ્ઞાનિકોને સાંભળવા પડશે. દુનિયા અને અમેરિકા ખતરા તરફ આગળ વધી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જને લઈને કેટલાક સમયથી ચેતવણી આપવામાં આવી રહી છે અને હવે તેના જોખમો હકીકતમાં ફેરવાઈ રહ્યા છે. હવામાનમાં બદલાવથી દસ કરોડ અમેરિકન નાગરિકો મુશ્કેલીમાં મુકાવાના છે. જો અત્યારથી કશું કરવામાં નહીં આવ્યુ તો આપણી પાસે પાછળથી કોઈ સમય નહીં હોય અને આપણે કશું નહીં કરી શકીએ.

ઉલ્લેખનીય છે કે, ઈડા નામના વાવાઝોડાથી અમેરિકાના ન્યૂયોર્ક, ન્યૂજર્સી અને લુસિયાના રાજ્યોમાં ભારે તબાહી સર્જાયેલી છે. આ તોફાનથી ન્યૂયોર્કમાં 60 લોકો મોતને ભેટયા છે અને અબજો ડોલરનુ નુકસાન થયુ છે.