વિશ્વભરમાં અંગ્રેજીનો અત્યારે જે વ્યાપ છે તે કદાચ વર્તમાન સમયમાં અનિવાર્ય હશે, પરંતુ અંગ્રેજીના મોહમાં દેશભરમાં તમામ માતૃભાષા માધ્યમથી ભણાવતી શાળાઓ ક્યાં તો બંધ થઈ રહી છે ક્યાં તો એની સમૃદ્ધિ અને સત્વ ગુમાવી રહી છે.
આવા સમયે સુરતની 29 શાળાઓએ દ્વિભાષી માધ્યમનું મોડેલ અપનાવ્યું જે ઉચ્ચ ગુજરાતી સાથે ઉચ્ચ અંગ્રેજી ભણાવે છે. તેમજ ગણિત અને વિજ્ઞાન આ બે વિષયો માતૃભાષામાં ભણાવવાની શરૂઆત કરી, આગળ જતાં માત્ર આ બે વિષયો (ગણિત અને વિજ્ઞાન) ધોરણ 6 7 અને 8માં દ્વિભાષી (અંગ્રેજી તેમજ ગુજરાતી) માધ્યમથી ભણાવી, ત્યાર બાદ આ બે વિષય નવમા અને દસમા ધોરણમાં અંગ્રેજી માધ્યમથી ભણાવે છે. બાકીનું શિક્ષણ ગુજરાતી માધ્યમમાં ચાલુ રહે છે.
આ માધ્યમને કારણે માતૃભાષાનો મહિમા જળવાતાં બાળક પરંપરા સાથે જોડાયેલું રહે છે અને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવેશ પરીક્ષાઓમાં પણ કાચું પડતું નથી અને વિકાસની દિશામાં અગ્રેસર થાય છે.
સુરતની ભુલકાવિહાર ભુલકાભવન વગેરે 29 શાળાઓમાં સાહિત્યકાર અને બાળમનોવિજ્ઞાની ડો. રઈશ મનીઆરના માર્ગદર્શનથી શરૂ થયેલ આ પ્રોજેક્ટનો અભ્યાસ કરવા સરકારે 11 તજજ્ઞોની કમિટી બનાવી. એનો રિપોર્ટ હકારાત્મક આવ્યો તથા એ જ સમયે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની નવી ભલામણો પણ આ પદ્ધતિને અનુરૂપ આવી, તેથી સરકારે જે ખાનગી શાળા ઈચ્છે તે આ માધ્યમ શરૂ કરી શકે, એ મુજબનો એક ઠરાવ કર્યો છે.
આના પગલે હવે અમદાવાદ શહરેની સંખ્યાબંધ શાળાઓ આ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહી છે.