મોસ્કો દ્વારા યુક્રેન સામે હુમલાની કાર્યવાહી શરૂ થયા પછી અનેક વૈશ્વિક બ્રાન્ડ્સ દ્વારા રશિયામાં તેમની કામગીરી સ્થગિત કરવામાં આવી રહી છે. ટેકનોલોજી કંપનીઓથી લઈને ઓઇલ, ઓટોમોબાઈલ અને કપડાની બ્રાન્ડ્સના નિર્ણયને કારણે ક્રેમલિનને સમગ્ર ક્ષેત્રમાંથી બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે, કારણ કે વૈશ્વિક અપીલો છતાં તેના સતત હુમલા થઇ રહ્યા છે. છેલ્લે અમેરિકન વેકેશન રેન્ટલ કંપની એરબીએનબી પણ તેની કામગીરી સ્થગિત કરી છે. એરબીએનબીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર બ્રાયન ચેસ્કીએ તાજેતરમાં જણાવ્યું હતું કે, યુક્રેન પર રશિયાના હુમલા અંગે વિસ્તૃત ચર્ચા થયા પછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીએ એક લાખ જેટલા યુક્રેનિયન શરણાર્થીઓને રહેવા માટે સ્વૈચ્છિક સેવા આપી છે અને સહયોગ માટે 14 સરકારોનો સંપર્ક કર્યો છે. જે કંપનીઓએ પોતાની કામગીરી સ્થગિત કરી છે તેમાં એપ્પલ, ગૂગલ, ઓઇલ કંપની-એક્સોન, જર્મન કાર નિર્માતા-મર્સિડિઝ બેન્ઝ, નેટફ્લિક્સ, સ્વીડિશ કપડાની કંપની એચએન્ડએમ, કેનેડાની કપડાની કંપની કેનેડા ગૂસ હોલ્ડિંગ્સ, બોઇંગે રશિયન એરલાઇન્સને મદદ કરવાનું સ્થગિત કર્યું છે. એરબસે સ્પેરપાર્ટસ આપવાનું બંધ કર્યું છે અને એડિડાસ દ્વારા રશિયન ફૂટબોલ યુનિયન સાથે ભાગીદારી સ્થગિત કરવાની જાહેરાત કરવામાં આવી છે.