લોકસભાની ચૂંટણી સાથે ગુજરાતમાં વિધાનસભાની પાંચ બેઠકોની યોજાનારી પેટાચૂંટણી માટે ભાજપે મંગળવારે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. પક્ષે પાંચમાંથી ચાર બેઠકો પર કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને આવેલા ઉમેદવારોને ટિકિટ આપી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે સાત મેએ વિધાનસભાની આ પાંચ બેઠકો પર પેટાચૂંટણી યોજાવાની છે.

પાર્ટીએ વિજાપુરથી સી જે ચાવડા, ખંભાતથી ચિરાગ પટેલ, પોરબંદરથી અર્જુન મોઢવાડિયા, માણાવદરથી અરવિંદ લાડાણી અને વાઘોડિયા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે.
કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને કારણે વિધાનસભાની બેઠકો ખાલી પડી હતી. આ ઉપરાંત, વિસાવદર બેઠક પર પેટા ચૂંટણી માટે અત્યાર સુધી ચૂંટણી પંચ દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી.

પાંચમા ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અગાઉ વડોદરા જિલ્લામાં ભાજપ સાથે સંકળાયેલા હતાં પરંતુ પક્ષ દ્વારા ટિકિટ માટેના તેમના દાવાને અવગણવામાં આવતાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે 2022ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતાં. વાઘેલાએ વાઘોડિયા બેઠક પર ભાજપના સત્તાવાર ઉમેદવાર અશ્વિન પટેલને 14,000થી વધુ મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું અને ફરીથી ભાજપમાં જોડાયા હતા.

પોરબંદર સીટ પરથી મેદાનમાં ઉતરેલા અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ સાથે 40 વર્ષથી વધુ સમય ગાળ્યા બાદ આ મહિનાની શરૂઆતમાં ભાજપમાં જોડાયા હતાં. ત્રણ ટર્મના ધારાસભ્ય મોઢવાડિયાએ વિરોધ પક્ષના નેતા અને રાજ્ય એકમના વડા તરીકે પણ સેવા આપી હતી. તેઓ આ મહિનાની શરૂઆતમાં પાર્ટી અને વિધાનસભામાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા હતા.

ત્રણ વખતના ધારાસભ્ય C J ચાવડા કોંગ્રેસ સાથે લાંબા સમયથી સંકળાયેલા હતા તેમને વિજાપુર વિધાનસભા બેઠકમાંથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જે તેમણે 2002, 2017 અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા. તેમણે આ વર્ષે જાન્યુઆરીમાં કોંગ્રેસ છોડી દીધી હતી.

જૂનાગઢ જિલ્લાની માણાવદર બેઠક પરથી 2022ની ચૂંટણીમાં કોંગ્રેસની ટિકિટ પર જીતેલા અરવિંદ લાડાણીને તે જ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે નામ આપવામાં આવ્યું છે. લાડાણીએ આ વર્ષે માર્ચમાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતાં.

LEAVE A REPLY

5 × three =