JP Nadda's tenure as BJP National President extended by one year
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા (ANI Photo)

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પક્ષની ગૌરવ યાત્રાનો 12 ઓક્ટોબરે પ્રારંભ કરાવ્યો હતો. વિધાનસભાની ચૂંટણી પહેલાં પ્રચારનો માહોલ ઊભો કરવા માટે ભાજપે બે દિવસમાં આવી પાંચ યાત્રાનું આયોજન કર્યું છે. બહુચરાજી માતાના મંદિરેથી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા યાત્રાનો આરંભ કરાવ્યો હતો. આ યાત્રા કચ્છમાં માતાના મઢ ખાતે સંપન્ન થશે. આ પ્રસંગે જે પી નડ્ડાએ જણાવ્યું હતું કે આ યાત્રા માત્ર ભાજપ કે ગુજરાત પૂરતી સીમિત નથી, પરંતુ ભારતનું ગૌરવ સ્થાપિત કરવા માટેની છે. તેમણે કોંગ્રેસ પર વિકાસ સામે રોડા નાંખવાનો આક્ષેપ કર્યો હતો.

બહુચરાજીથી શરૂ થયેલી અને માતાના મઢ સુધીની યાત્રામાં કેન્દ્રીય પ્રધાનો પરષોત્તમ રૂપાલા અને દાનવે રાવસાહેબ દાદારાવ, ધર્મેન્દ્ર પ્રધાન, મનસુખ માંડવીયા, ડો. સંજીવકુમાર બાલ્યાન, હરદીપસિંહ પૂરી, પ્રહલાદ જોષી, સરબાનંદ સોનોવાલ સહિતના નેતાઓ હાજર રહ્યાં હતા. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના વડપણ હેઠળ યાત્રા વિધાનસભાની ૧૪૪ બેઠકોને આવરી લેશે.

૧૩ ઓક્ટોબરના રોજ ઝાંઝરકાથી સોમનાથ સુધીની યાત્રાનો સવારે ૯ વાગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આરંભ કરાવશે. તેઓ ગુરુવારે બપોરે ૧ વાગે ઉનાઇ માતાના ધામ ખાતેથી બે યાત્રાને પ્રસ્થાન કરાવશે. જેમાં ઉનાઇથી ફાગવેલ તેમજ ઉનાઇથી અંબાજી સુધીની યાત્રાનો સમાવેશ થાય છે. ઉનાઇથી અંબાજી વચ્ચેની આદિવાસી પટ્ટામાંથી પસાર થનારી યાત્રાને ભાજપે આદિવાસી ગૌરવયાત્રા નામ આપ્યું છે.

દ્વારકાથી પોરબંદરની યાત્રામાં ભુપેન્દ્ર યાદવ, પ્રહલાદ પટેલ, પિયુષ ગોયેલ, મનસુખ માંડવીયા, રૂપાલા, અનુરાગસિંહ ઠાકુર, કૈલાસ ચૌધરી, ડો. મહેન્દ્ર મુંજપરા, ગજેન્દ્રસિંહ શેખાવત, ડો. ભાગવત કરાડ અલગ અલગ દિવસે જોડાશે.
ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની વિવિધ 144 વિધાનસભા સીટ માટે ગૌરવયાત્રા શરૂ થઈ છે. અલગ અલગ પાંચ યાત્રા કાઢીને ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તારમાં આ યાત્રા પ્રવાસ કરશે, જેમાં કુલ 144 વિધાનસભા વિસ્તારને આવરી લેવાશે. સમગ્ર રાજ્યમાં આ પાંચેય યાત્રા 11 દિવસની અંદર 5,734 કિમી જેટલું અંતર કાપશે. અલગ અલગ 358 સ્થાન પર યાત્રાનું સ્વાગત કરવામાં આવશે, જેમાં 120 સભા પણ યોજાશે. ‘ભરોસાની ભાજપ સરકાર’ શીર્ષક હેઠળ આખીયે આ યાત્રા યોજાશે.

 

LEAVE A REPLY

13 − seven =