BJP has nothing to hide or fear on Hindenburg Report issue:
(Photo by PRAKASH SINGH/AFP via Getty Images)

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને હિન્ડનબર્ગ રીપોર્ટના મુદ્દે ભારતના ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ મામલાની નોંધ લીધી છે. કેબિનેટના સભ્ય હોવાના કારણે મારા માટે અત્યારે આ મુદ્દે કંઈપણ કહેવું યોગ્ય નથી. આમાં ભાજપ માટે છુપાવવા જેવું કંઈ નથી અને ન તો ડરવા જેવું કંઈ છે.

ન્યૂઝ એજન્સી ANIને આપેલા એક ઇન્ટરવ્યૂમાં શાહે 2023માં યોજાનારી રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ, અદાણી-હિન્ડનબર્ગ કેસ, PFI પ્રતિબંધ, સંસદમાં વિક્ષેપ, આંતરિક સુરક્ષા, 2024ની લોકસભા ચૂંટણી સહિત અનેક મુદ્દાઓ અંગે પોતાની સરકારનું વલણ સ્પષ્ટ કર્યું હતું.

શાહે કહ્યું કે 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપ માટે કોઈ પ્રતિસ્પર્ધા અથવા પડકાર નથી. દેશની જનતા પુરા દિલથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કેન્દ્રની પહેલના કારણે પાયાના સ્તરે લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. કેન્દ્રીય ગૃહપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે દેશના લોકો 2024ની ચૂંટણીમાં ભાજપના મુખ્ય વિરોધ પક્ષ અંગે નિર્ણય કરશે. તેમણે કહ્યું કે આ લેબલ કોઈપણ પાર્ટીને આપ્યું નથી.

અમિત શાહે કહ્યું કે ભારતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમયમાં G-20નું નેતૃત્વ મળ્યું છે અને G-20 સફળ હોય તો એ માટે વડાપ્રધાન મોદીને તેનો શ્રેય મળવો જોઇએ. તેમણે કહ્યું કે તે કેમ નથી મળતો?… પ્રોડક્ટ સારી હોય તો તેનું માર્કેટિંગ ખૂબ જ ધામધૂમથી કરવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.

કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા અમિત શાહે જણાવ્યું હતું કે, તેમણે ચૂંટણી હોય તે રાજ્યોમાં પ્રચાર કર્યો નથી પરંતુ ત્રિપુરા, નાગાલેન્ડ અને મેઘાલયની ચૂંટણીના પરિણામો વિપક્ષી પાર્ટીના એ રાજ્યોમાં તાકાત દેખાડશે જ્યાં એક સમયે તેમનો દબદબો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત આ વર્ષે થનારી ચૂંટણીમાં ભાજપ સારો દેખાવ કરશે.

ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી અંગે તેમણે એવો દાવો કર્યો હતો કે આ વખતે પણ ત્રિપુરામાં ભાજપની સરકાર જ બનશે. આ વખતે ભાજપ ત્રિપુરામાં શ્રેષ્ઠ દેખાવ કરશે. આ વખતે ભાજપ વધુ બેઠકો જીતશે અને અમારી વોટની ટકાવારી પણ વધશે.

શાહે કહ્યું હતું કે બિહાર અને ઝારખંડમાં નક્સલવાદી ઉગ્રવાદ લગભગ ખતમ થઈ ગયો છે. મને ખાતરી છે કે અમે છત્તીસગઢમાં પણ ટૂંક સમયમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં સફળ થઈશું. તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરમાં પણ ત્રાસવાદ સંબંધિત તમામ પ્રકારના આંકડા શ્રેષ્ઠ સ્થિતિમાં છે.
તેમણે કહ્યું કે, અમે હિંસા ખતમ કરી દીધી છે. ડ્રગ્સના વેપાર પર કડક કાર્યવાહી કરી છે. દેશમાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (PFI) ઉપરના પ્રતિબંધ અંગે તેમણે કહ્યું, ‘PFI કેડર પર ઘણા કેસ હતા, તેમને ખતમ કરવાનું કામ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું હતું, જે કોર્ટે અટકાવી દીધું હતું… અમે PFI પર સફળતાપૂર્વક પ્રતિબંધ મૂક્યો હતો. PFI દેશમાં કટ્ટરતા અને ધર્માંધતા વધાનારુ સંગઠન હતું.

LEAVE A REPLY

fifteen + eight =