(ANI Photo)

ભાજપે લોકસભાની ચૂંટણી માટે રવિવારે જાહેર કરેલી 111 ઉમેદવારોની પાંચમી યાદીમાં કંગના રનૌત, રામાયણના ‘રામ’ અરુણ ગોવિલ, અબજોપતિ ઉદ્યોગપતિ નવિન જિંદાલ સહિતના વ્યક્તિના નામ હતા. પાર્ટીએ હિમાચલપ્રદેશની મંડી બેઠક પરથી અભિનેત્રી કંગના રનૌત, યુપીના મેરઠમાંથી રામાયણ સિરિયલના ‘રામ’ અરુણ ગોવિલ અને હરિયાણાના કુરુક્ષેત્ર બેઠક પરથી ઉદ્યોગપતિ નવીન જિંદાલને મેદાનમાં ઉતાર્યા છે. પાર્ટીએ પીલીભીતથી વરુણ ગાંધી, બરેલીથી સંતોષ ગંગવાર અને ગાઝિયાબાદથી જનરલ વી કે સિંહને પડતા મૂક્યાં હતાં.

ભાજપે આંધ્રપ્રદેશની છ, બિહારના તેના ક્વોટાની તમામ 17, ઓડિશાના 21 અને બંગાળની 19 બેઠકો માટે તેના ઉમેદવારના નામ જાહેર કર્યાં હતા. કેરળમાં રાજ્યમાં પાર્ટીના વડા કે. સુરેન્દ્રનને વાયનાડથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ બેઠક પર તેમનો મુકાબલો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સામે થશે.

કલકત્તા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાયને પશ્ચિમ બંગાળની તમલુક બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ગંગાપાધ્યાયે તાજેતરમાં રાજીનામું આપ્યું હતું અને ભાજપમાં જોડાયા હતાં.

બિહારમાં પાર્ટીએ અરાહ બેઠકથી કેન્દ્રીય પ્રધાન આર.કે સિંહ, ઉજિયારપુરથી નિત્યાનંદ રાય અને બેગુસરાઈથી ગિરિરાજ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. પટના સાહિબથી પૂર્વ કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદ, સારણથી રાજીવ પ્રતાપ રૂડી, પૂર્વી ચંપારણથી રાધા મોહન સિંહ અને પાટલીપુત્રથી રામ કૃપાલ યાદવને ટિકિટ આપી છે.

તાજેતરમાં જ પાર્ટીમાં સામેલ થયેલા JMMના સીતા સોરેનને દુમકા (ST)થી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
તાજેતરમાં કોંગ્રેસમાંથી પરત ફરેલા કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરને બેલગામથી અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન કે. સુધાકરને ચિકબલ્લાપુરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

વર્તમાન સાંસદ વરુણ ગાંધીને યુપીના પીલીભીતથી ટિકિટ નકારવામાં આવી છે અને તેમના સ્થાને યુપીના પ્રધાન જિતિન પ્રસાદને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. લાંબા સમયથી બરેલીના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારને પણ પડતા મૂકવામાં આવ્યાં છે અને છત્રપાલ સિંહ ગંગવારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

ભાજપે ગાઝિયાબાદથી અતુલ ગર્ગને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠકનું હાલમાં પ્રતિનિધિત્વ કરતાં વર્તમાન સાંસદ અને કેન્દ્રીય મંત્રી જનરલ વી.કે. સિંહ (નિવૃત્ત)એ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી.

LEAVE A REPLY

2 + 11 =