જેલમાંથી બહાર આવ્યા પછી દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં શનિવારે રોડ-શો કર્યો હતો. (ANI Photo/Amit Sharma)

તિહાર જેલમાંથી બહાર આવ્યાના બીજા દિવસે શનિવારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી પછી ભાજપ અમિત શાહને વડાપ્રધાન બનાવશે અને ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગીને તેમના હોદ્દા પરથી દૂર કરશે. જોકે ભાજપના નેતાઓએ કેજરીવાલના આવા દાવાને ગપગોળા ગણાવીને ફગાવી દીધા હતા.

દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે જણાવ્યું હતું કે  ભાજપના નેતાઓ ઈન્ડિયા બ્લોકને તેમના PM ચહેરા વિશે પૂછે છે. હું ભાજપને પૂછું છું કે તેમનો PM કોણ હશે? મોદીજી આગામી વર્ષે 17 સપ્ટેમ્બરે 75 વર્ષના થઈ રહ્યા છે. તેમણે એવો નિયમ બનાવ્યો હતો કે 75 વર્ષની વયના લોકો નિવૃત્ત થશે. તેમણે લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી, સુમિત્રા મહાજનને નિવૃત કર્યા છે. મોદી આગામી વર્ષે નિવૃત થશે. તેઓ અમિત શાહને વડાપ્રધાન બનવવા માટે વોટ માગી રહ્યાં છે. શું અમિત શાહ મોદીની ગેરંટી પૂરી કરશે.

કેજરીવાલે વધુ એક દાવો કરતાં જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ “એક રાષ્ટ્ર, એક નેતા” મિશન શરૂ કર્યું છે અને તેઓ ટૂંક સમયમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની રાજકીય કારકિર્દીનો પણ અંત કરશે.અડવાણી, મુરલી જોશી, શિવરાજ ચૌહાણ, વસુંધરા રાજે, ખટ્ટર, રમણ સિંહની રાજનીતિ સમાપ્ત થઈ ગઈ છે, હવે યોગી આદિત્યનાથનો વારો છે. જો તેઓ (PM મોદી) જીતશે, તો તેઓ બે મહિનામાં યુપીના મુખ્ય પ્રધાનને બદલી નાંખશે.

કેજરીવાલના દાવાનો જવાબ આપતાં ગૃહ પ્રધાન અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે 2024ની લોકસભા ચૂંટણી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ દેશનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. આ મામલે ભાજપમાં કોઈ કન્ઝ્યુઝન નથી.

અમિત શાહે જણાવ્યું હતું કે હું અરવિંદ કેજરીવાલ એન્ડ કંપની અને સમગ્ર ઇન્ડી ગઠબંધનને કહેવા માંગુ છું મોદી 75 વર્ષના થાય ત્યારે તમારે ખુશ થવાની કોઈ જરૂર નથી. ભાજપના બંધારણમાં ક્યાંય આવું લખેલું નથી. મોદી કાર્યકાળ પૂર્ણ કરશે અને દેશનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે. આ અંગે ભાજપમાં કોઈ મૂંઝવણ નથી.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments