પાર્ટીના નેતા મુકેશ દલાલ સાથે ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર પાટીલ (PTI Photo)

ગુજરાતના સુરત લોકસભા બેઠક પર અભૂતપૂર્વ ઘટનાક્રમે વચ્ચે સોમવારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યાં હતા. આમ દેશમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપની આ પ્રથમ જીત હતી. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન શરૂ થાય તે પહેલા જ ભાજપને આ મોટી સફળતા મળી હતી.

મુકેશ દલાલને ઇલેક્શન સર્ટિફિકેટ આપતા જિલ્લા કલેક્ટર કમ ચૂંટણી અધિકારી સૌરભ પારધીએ મીડિયાને જણાવ્યું હતું કે “હું જાહેર કરું છું કે ભાજપ દ્વારા પ્રાયોજિત મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ સુરત સંસદીય મતવિસ્તારમાંથી સત્તાવાર રીતે ચૂંટાયા છે.

કોંગ્રેસે રવિવારે આક્ષેપ કર્યો હતો કે ભાજપના ઈશારે કુંભાણીનું નોમિનેશન ફોર્મ નકારી કાઢવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે તે ચૂંટણીપંચના નિર્ણયને હાઈકોર્ટમાં પડકારશે.

સંસદીય અથવા વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે તેવી ઘટના ભારતની લોકશાહીમાં દુર્લભ છે. સમગ્ર રાષ્ટ્રના ચૂંટણી ઇતિહાસમાં 1951 પછીથી લોકસભાની ચૂંટણીમાં આવી કેટલીક ઘટના બની છે.

ભારતીય ચૂંટણી પંચના રિટર્નિંગ ઓફિસરો માટેની તેની હેન્ડબુકમાં એવી જોગવાઈ છે કે જો કોઈ મતવિસ્તારમાં માત્ર એક જ ઉમેદવાર હોય, તો તેમને ઉમેદવારી પાછી ખેંચવાની અંતિમ તારીખ પછી તરત કાયદેસર રીતે ચૂંટાયેલા જાહેર કરવામાં કરવા પડે છે.

સુરતમાં ભાજપના મુકેશ દલાલ સહિત કુલ 9 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ચાર અપક્ષ અને ચાર અન્ય પક્ષના ઉમેદવારો હતા. સોમવારે બસપાના ઉમેદવાર પ્યારેલાલે પણ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. બસપાના પ્યારેલાલ ભારતીએ કલેક્ટર અને એસપીને પત્ર લખીને પોલીસ રક્ષણ માંગ્યુ હતું. મુકેશ દલાલ બિનહરીફ થવાના સંકેત વચ્ચે પ્યારેલાલનો કોઈ સંપર્ક થઈ શક્યો ન હતો અને તેમના ઘરે પણ તાળું હતું. ત્યાર પછી તેમણે ફોર્મ પાછું ખેંચી લીધું હતું.

LEAVE A REPLY

3 × five =