બોરિસ જ્હોન્સન (Photo by Christopher Furlong/Getty Images)

કોરોનાવાયરસથી સાજા થવા માટે સંઘર્ષ કરી રહેલા વડાપ્રધાન બોરીસ જ્હોન્સન છ મહિનામાં વડા પ્રધાનપદ છોડવાનું વિચારી રહ્યા છે એવો દાવો તેમના મુખ્ય સલાહકાર ડોમિનિક કમિંગ્સના સસરા સર હમ્ફ્રી વેકફિલ્ડે કર્યો છે.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ એવું કહેવામાં આવે છે કે બેરોનેટે આ વાત તેમના નોર્થમ્બરલેન્ડ કાસલની મુલાકાત લેનાર એક હોલીડેમેકરને કરી હતી અને જણાવ્યું હતું કે વડા પ્રધાન હજી પણ કોરોનાવાયરસના લાંબા ગાળાના દુષ્પ્રભાવોથી પીડાઈ રહ્યા છે.

ટાઇમ્સના અહેવાલમાં કહેવાયું હતું કે બેરોનેટે વડા પ્રધાનની સરખામણી ઘાયલ ઘોડા સાથે કરતા જણાવ્યું હતું કે ‘જો તમે ઘોડાને ઘાયલ હોય ત્યારે કામ કરાવો તો તે કદી સાજો થશે નહિ.’

ડાઉનિંગ સ્ટ્રીટને આ અસામાન્ય દાવાને નકારવાની ફરજ પડી હતી અને દાવાને ‘ટોટલ નોનસેન્સ’ ગણાવ્યો હતો. સર હમ્ફ્રી વેકફિલ્ડની પત્રકાર પુત્રી મેરીએ ડોમિનિક  કમિંગ્સ સાથે લગ્ન કર્યા છે અને તેમને એક પુત્ર પણ છે.