પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇંગ્લેન્ડથી 50 વર્ષમાં પ્રથમવાર સફરજનની નિકાસ ભારતમાં કરવામાં આવતા યુકેના ઇન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી લિઝ ટ્રુસે ખુશી વ્યક્ત કરી છે અને તે બંને દેશોની વ્યાપારિક ભાગીદારીના ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ સંકેત છે.

યુકેના ટ્રેડ મિનિસ્ટર રાનિલ જયાવર્ધન દ્વારા કરવામાં આવેલા એક ટ્વીટના જવાબમાં ટ્રુસે ટ્વિટર પર જણાવ્યું હતું કે, યુકે-ઇન્ડિયા વ્યાપારિક સંબંધોમાં 50 વર્ષમાં પ્રથમવાર સાઉથ-ઇસ્ટ ઇંગ્લેન્ડના એક ખેતરમાંથી સફરજનની નિકાસ કરાઇ છે. જયાવર્ધને એ ટ્વિટમાં કેન્ટના એસી ગોથમ અને સોન એપ્પલ ફાર્મની મુલાકાત લીધી હતી તેની માહિતી આપી હતી. ટ્રુસે જણાવ્યું હતું કે, એન્હાન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપને કારણે 50 વર્ષમાં પ્રથમવાર આપણા સફરજન ભારત જઇ રહ્યા છે. આ એન્હાન્સ્ડ ટ્રેડ પાર્ટનરશિપને વ્યાપક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં એક સારો સંકેત માનવામાં આવે છે, જે અંગે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મે મહિનામાં વર્ચ્યુઅલ સમિટ દરમિયાન સહમતી સધાઇ હતી. ત્યારબાદ ટ્રુસ અને ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ઔપચારિક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા અને 2030 સુધીમાં યુકે-ઇન્ડિયા દ્વિપક્ષી વેપાર બેગણો કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો હતો.

એસી ગોથમ અને રોસ ગોથમના સહ-માલિક સોન એ યુકે ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રેડ (DIT)ને જણાવ્યું હતું કે, ભારતને એક બજાર તરીકે અમે વર્ષોથી ધ્યાનમાં રાખ્યું છે, પરંતુ કમનસીબે 70ના દસકામાં અમને તેમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. આ સફરજન ખરીદવા માટે તાજેતરમાં ભારતમાંથી અમારી પાસે 20 જેટલી પૂછપરછ આવી છે. જયાવર્ધનેએ તેમની ફાર્મની મુલાકાત દરમિયાન નોંધ્યું હતું કે, બ્રેક્ઝિટ પછી સરકારની બ્રિટનના એક્સપોર્ટ માર્કેટ્સના વિસ્તરણની વ્યૂહરચના આ પગલામાં પ્રતિબિંબિત થઇ છે. એટલે હકીકત એ છે કે, આપણી વ્યાપાર નીતિનું નિયંત્રણ આપણા હાથમાં લીધું હોવાથી તે ખરા અર્થમાં બ્રિટિશ ખેડૂતો અને બ્રિટિશ અન્ન ઉત્પાદકો અને તમામ બ્રિટિશ ઇન્ડસ્ટ્રી માટે ફાયદાકારક છે.

યુકેએ જણાવ્યું હતું કે, તેઓ ભારતના 2 ટ્રિલિયન પાઉન્ડના અર્થતંત્ર અને 1.4 બિલિયન ગ્રાહકોના માર્કેટ સાથે વ્યાપાર કરવા માટે અડચણો દૂર કરવા ઇચ્છે છે, જેમાં વ્હિસ્કી પરનો 150 ટકા સુધીના ટેક્સ દરો અને 125 ટકા બ્રિટિશ કાર્સ સહિતના અન્ય ઉત્પાદનો પર ટેક્સ દૂર કરવાની બાબતનો સમાવેશ થાય છે.
DIT અનુસાર છેલ્લા આંકડા મુજબ 2019માં ભારત અને યુકે વચ્ચે અંદાજે 23 બિલિયન પાઉન્ડનો વેપાર થયો હતો. બંને દેશો યોજનાબદ્ધ રીતે 2030 સુધીમાં એ બેગણો કરવાની ઇચ્છા ધરાવે છે.