યુકે જવા ઈચ્છતા ભારતીય પ્રવાસીઓને બ્રિટનના ભારત ખાતેના હાઈ કમિશનર એલેક્સ એલિસે એવી સલાહ આપી છે કે, વીસાની પ્રોસેસમાં વિલંબ થઈ રહ્યો છે અને પ્રવાસીઓએ વીસા હાથમાં આવે નહીં ત્યાં સુધી એર ટિકિટ ખરીદવી નહીં. વીસાની પ્રક્રિયામાં વિલંબ ફક્ત યુકે નહીં, યુરોપના શેનઝેન વીસામાં આવતા દેશો, અમેરિકા અને કેનેડાના વીસાની પ્રક્રિયા પણ ધીમી ચાલી રહી છે.

યુકેના દૂતે એવું કહ્યું હતું કે, આ વર્ષે હવે પછી શરૂ થતા ‘ફોલ’ શૈક્ષણિક સત્રમાં યુકેની કોલેજો, યુનિવર્સિટીઝમાં પ્રવેશ મેળવવા ઉત્સુક ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવવાની યુકેની ધારણા છે.

અમે અમારાથી શક્ય એવા તમામ પ્રયાસો કરી રહ્યા છીએ કે, વિદ્યાર્થીઓને તેમના વીસા સમયસર મળી જાય. યુકે જવા ઈચ્છતા અનેક લોકો અમારા સંપર્કમાં છે અને તેઓ વીસાની સ્થિતિ વિષે ચિંતિત છે, પૂછપરછ કરતા રહે છે. વિલંબ બદલ હું દિલગીરી વ્યક્ત કરૂં છું. આ વિલંબ અને તેનાથી ઉભી થતી વ્યાકુળતા હું બરાબર સમજી શકું છું. વિલંબથી અસર પામેલા તમામ લોકોની હું માફી માંગું છું.

વીસાના વિલંબના કારણો વિષે વાત કરતાં એલેક્સ એલિસે કહ્યું હતું કે, એક તો કોરોનાનો રોગચાળો હળવો થયા પછી યુકે જવા ઈચ્છતા લોકોની સંખ્યામાં અસાધારણ વધારો થયો છે. તે ઉપરાંત, યુક્રેન ઉપરના રશિયાના આક્રમણના કારણે પણ યુકે જવા ઈચ્છતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. આ સંજોગોમાં તેમણે કહ્યું હતું કે, યુકે દ્વારા પ્રાયોરિટી વીસાની સેવાઓ ચાલુ રખાઈ છે, જેમને તાકિદની સ્થિતિ હોય તેઓ એ સેવાનો વિકલ્પ અપનાવી શકે છે.