કિંગ ચાર્લ્સ તૃતીય અને તેમનાં પત્ની કેમિલા સાથે 27 ઓક્ટોબરથી ચાર દિવસ માટે બેંગલુરુના અંગત પ્રવાસે ગયા હતા. 75 વર્ષીય કિંગ ચાર્લ્સ વ્હાઇટફિલ્ડની સોક્ય ઇન્ટરનેશનલ હોલિસ્ટિક હેલ્થ સેન્ટર (SIHC) ખાતે સારવાર માટે આવ્યા હતા.
મીડિયા રીપોર્ટમાં જણાવ્યા મુજબ, કિંગ ચાર્લ્સ અને કેમિલા 21થી 26 ઓક્ટોબર દરમિયાન કોમનવેલ્થ સરકારના વડાઓની મીટિંગમાં હાજરી આપ્યા પછી સમોઆથી સીધા બેંગલુરુ ગયા હતા. તેમનો આ પ્રવાસ ગુપ્ત હોવાથી રાજ્ય સરકારે HAL એરપોર્ટ પર આ રાજવી દંપતીનું ઔપચારિક સ્વાગત કર્યું નહોતું. તેઓ એરપોર્ટથી વ્હાઇટફિલ્ડ ગયા ત્યારે ટ્રાફિક વ્યવસ્થા પણ સામાન્ય રીતે જાળવવામાં આવી હતી.
કિંગ ચાર્લ્સ અને કેમિલાએ SIHC ખાતે વહેલી સવારે યોગ કર્યા હતા અને અન્ય સારવાર કરાવી હોવાનું કહેવાય છે. તેમને SIHCમાં વિશેષ કર્મચારીઓ દ્વારા વિવિધ થેરાપી અને મેડિટેશન (ધ્યાન) માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ રાજવી દંપતીએ કેમ્પસની અંદર ભોજનની મજા માણી હોવાનું કહેવાય છે. તેઓ તેમની અનુકૂળતાના સમયે લાંબા સમય સુધી ચાલવાનું પસંદ કરતા હતા. તેઓ બુધવારે બેંગલુરુથી નીકળી ગયા હતા.

રાજા તરીકે કિંગ ચાર્લ્સની બેંગલુરુની આ પ્રથમ મુલાકાત છે, પરંતુ જ્યારે તેઓ વેલ્સના પ્રિન્સ હતા, ત્યારે તેમણે ભારતના આ ગાર્ડન સિટીની અનેકવાર મુલાકાત લીધી હતી. તેમનો 71મો જન્મ દિન પણ તેમના SIHC વેલનેસ સેન્ટર ખાતે શાનદાર રીતે ઉજવવામાં આવ્યો હતો. 2022માં રાણી એલિઝાબેથના નિધન પછી, ચાર્લ્સને નવા કિંગ જાહેર કરવામાં આવ્યા હતા.

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments