વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ 13 જુલાઈએ કેન્દ્રિય કેબિનેટ દ્વારા તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઇનને મંજૂરી આપવામા આવી છે. રૂ. 2798.16 કરોડના ખર્ચે આ રેલવે લાઇન સ્થાપિત કરવા માટે મંજૂરી મળ્યા પછી હવે રાજ્ય સરકાર અને રેલવે વિભાગે કામગીરી શરૂ કરી છે. 18 જુલાઈએ રેલવેના જીએમ અને ડીઆરએમ અમદાવાદ તેમજ પ્રવાસન વિભાગ અને લેન્ડ રિફોર્મના સચિવે ચીફ સેક્રેટરી પંકજકુમાર સમક્ષ પ્રોજેક્ટની કામગીરીના રોડમેપ અંગે ચર્ચા કરી હતી. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરાશે અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવાશે. તારંગા હિલ્સ રેલવે સ્ટેશનમાં પણ જૈન આર્કિટેક્ચરના આધારે કાયાપલટ કરવામા આવશે.
આ પ્રોજેક્ટને આવનારા પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનું નક્કી કરાયું છે. 6 રિવર ક્રોસીંગ ધરાવતી તારંગાથી આબુ સુધીની 116.654 કિ.મી.ની રેલવે લાઇનની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરાશે જે 60 ગામડાઓમાંથી પસાર થશે. આ રેલવે લાઈનના નિર્માણથી ગુજરાતના ત્રણ જિલ્લાના 104 ગામડાઓને ફાયદો થશે.
આ રેલવે લાઇન ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી પસાર થશે. રેલવે દ્વારા તેના માટે 15 સ્ટેશન સૂચિત કરવામા આવ્યા છે. જેમાં વરેઠા (વર્તમાનમાં ચાલુ), ન્યૂ તારંગા હિલ, સતલાસણા, મુમનવાસ (હોલ્ટ), મહુડી (હોલ્ટ), દલપુરા, રૂપપુરા (હોલ્ટ), હડદ, આંબા મહુડા (હોલ્ટ), પેટા છપરા (હોલ્ટ), અંબાજી, પારલી છપરી (હોલ્ટ), સિયાવા (હોલ્ટ), કુઈ અને આબુ રોડનો સમાવેશ થાય છે. આમ ગુજરાતમાં 11 અને રાજસ્થાનમાં 4 રેલવે સ્ટેશન સમાવિષ્ટ થશે.
ગુજરાતના ત્રણ જિલ્લાઓમાંથી કુલ 409.480 હેક્ટર જમીન આ પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવામા આવશે. તેમાં કુલ 33 મેજર બ્રિજ નિર્માણ કરવામા આવશે જેમાં મહેસાણાના સતલાસણા તાલુકામાં 8, બનાસકાંઠાના દાંતામાં 17 અને સાબરકાંઠાના પોશીનામાં 8 બ્રિજ બનાવવામા આવશે. જેમાં રોડ ઓવર બ્રિજની વાત કરીએ તો મહેસાણાના ખેરાળુ અને સતલાસણામાં 2-2, તેમજ દાંતા અને પોશીનામાં 1-1 બ્રિજ નિર્માણ થશે. કુલ 47 રોડ અન્ડર બ્રિજનું નિર્માણ થશે જેમાં સતલાસણામાં 13, દાંતામાં 28 અને પોશીનામાં 6 બ્રિજનું નિર્માણ કરવામા આવશે.
તારંગા-આબુરોડ રેલવે લાઈનથી તેની આસપાસના વિસ્તારમાં આવતા અનેક ગામડાઓ તેમજ મુખ્ય મથકો રેલવે કનેક્ટિવિટીથી જોડાશે, નવા ઉદ્યોગ અને સાહસોને કનેક્ટિવિટી વધતા પ્રોત્સાહન મળશે, રોજગારીની નવી તકો સર્જાશે અને આ વિસ્તારનો વિકાસ થશે. અંબાજી અને તેની આસપાસના વિસ્તારમાં માર્બલ ઉદ્યોગ વિકસ્યો છે. આ રેલવે લાઈનથી માર્બલ ઉદ્યોગના પરિવહન માટે મોટી સુવિધા ઉપલબ્ધ થશે. અંબાજી અને તેની આસપાસનો વિસ્તાર પર્વતીય હોઈ પરિવહનને લઇ અનેક પ્રશ્નો ઉભા થતાં હતા, પરંતુ હવે માર્બલ ઉદ્યોગ માટે પરિવહનની મુશ્કેલીઓ દૂર થશે.