કેઇર્ન ઇન્ડિયાની રાજસ્થાન ખાતેના મંગલા ઓઇલ ફિલ્ડની ક્રૂડ ઓઇલ માટેની સ્ટોરેજ ફેસિલિટી (REUTERS/Parth Sanyal/File Photo)

ટેક્સ વિવાદમાં ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલે બ્રિટનની કંપની કેઇર્ન એનર્જીની તરફેણમાં આપેલા ચુકાદાની વિરુદ્ધમાં ભારત અપીલ કરશે. કંપનીએ બીજી તમામ ઇન્ટરનેશનલ કોર્ટમાં દાખલ કરેલા કેસોમાં પણ સરકાર લડત આપશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. જોકે સરકારે ભારતના કાયદા મુજબ આ વિવાદના ઉકેલ માટેના દ્વાર પણ ખુલ્લા રાખ્યાં છે. 1.2 બિલિયન ડોલરના ટેક્સ વિવાદમાં ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલે કેઇર્નની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાનો અમલ કરવા માટે કેઇર્ન એનર્જીએ વિવિધ દેશોની કોર્ટમાં કેસ દાખલ કરેલા છે.

ભારત સરકાર નેધરલેન્ડમાં અપીલ કરી શકે છે. કેઇર્ન એનર્જીએ અમેરિકાની કોર્ટમાં દાખલ કરેલા કેસ સામે પણ ભારત સરકાર લડત આપશે. ટેક્સ વસૂલ કરવાનો એક દેશને હક હોય તેવા આધારે આ અપીલ કરવામાં આવશે.
સૂત્રોએ જણાવ્યું હતું કે કેઇર્ને ટેક્સ ટાળવા માટે ટેક્સ હેવન ગણાતા દેશો મારફત ટ્રાન્ઝેક્શન કર્યા હતા. કંપનીએ પબ્લિક લિસ્ટિંગ પહેલા 2007માં ભારત ખાતેની તેની એસેટનું પુનર્ગઠન કર્યું હતું.

કેઇર્ન એનર્જીના ચીફ એક્ઝિક્યુટિવ સિમોન થોમ્સનની આગેવાની હેઠળ તેના ટોચના એક્ઝિક્યુટિવ ગુરુવાર, 18 ફેબ્રુઆરીએ ભારતના નાણાસચિવને મળ્યા હતા. સરકારે કેઇર્નની આ હિચચાલને આવકારી હતી. સરકાર કંપનીએ આ બેઠકમાં શુ ચર્ચા થઈ હતી, તેની વિગત જારી કરી ન હતી, પરંતુ વિવાદનો ઉકેલ ભારતના હાલના કાયદા મુજબ હોવો જોઇએ.

બ્રિટનની કંપની કેઈર્ન એનર્જીએ આર્બિટ્રેશન કોર્ટના આદેશ મુજબ ભારત સરકાર પાસેથી 1.2 બિલિયન ડોલર મેળવવા માટે અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં 12 ફેબ્રુઆરીએ કેસ દાખલ કરીને ભારત સરકાર પરના દબાણમાં વધારો કરવાનો પ્રયાસ કર્યો હતો.

ડિસેમ્બર 2020માં કેઈર્ન એનર્જીએ સિંગાપોર આર્બિસ્ટ્રેશન કોર્ટમાં પશ્વાતવર્તી ટેક્સના મુદ્દે ભારત સરકાર વિરુદ્વ જીત મેળવી હતી. ટેક્સ વિવાદના આ મામલે આર્બિસ્ટ્રેશન કોર્ટે ભારત સરકારને 1.2 બિલિયન ડોલર ઉપરાંત વ્યાજ અને દંડની રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જેને કારણે આ રકમ વધીને 1.4 બિલિયન ડોલરથી વધી ગઈ છે.
અમેરિકાની કોર્ટમાં આ કેસ ભારત સરકાર પાસેથી બાકી લેણા વસૂલ કરવા માટેનું કેઇર્નનું પ્રથમ પગલું છે. આર્બિટ્રેશન કેસના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું કે જો કેઇર્નનો આ કેસમાં વિજય થશે તો વિદેશમાં અને ખાસ કરીને અમેરિકામાં ભારત સરકારની મિલકતો જપ્ત કરવા તરફનું એક મહત્ત્વનું પગલું હશે.

ગયા સપ્તાહના રોઇટર્સના અહેવાલ મુજબ કેઇર્ન ભવિષ્યમાં જપ્ત કરવા માટે બેન્ક એકાઉન્ટ, એર ઇન્ડિયાના વિમાન કે જહાજો સહિતની ભારતની વિદેશી એસેટને અલગ તારવી રહી છે. કેઇર્ને નેધરલેન્ડ અને ફ્રાન્સમાં પણ ભારત સામે આ ક્લેમ નોંધાવ્યો છે. આ દેશોની કોર્ટનો આદેશ મેળવીને તે ભારત સરકારની મિલકત જપ્ત કરવા માગે છે.