(ANI Video Grab)

ગયા સપ્તાહે અનરાધાર વરસાદને પગલે ગુજરાતમાં રવિવાર, 7 સપ્ટેમ્બર સુધીમાં સિઝનનો 103 ટકાથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 35 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. કચ્છમાં ૯૯.૧૭%, ઉત્તર ગુજરાતમાં ૧૦૬.૫૦%, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૦૭.૩૪%, સૌરાષ્ટ્રમાં ૯૧.૨૯% અને દક્ષિણ ગુજરાતમાં ૧૦૭.૯૯% વરસાદ નોંધાયો હતો. આ ઉપરાત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં રાજ્યભરમાં વધુ વરસાદની આગાહી કરી હતી અને ઘણા જિલ્લાઓને રેડ એલર્ટ હેઠળ પણ મૂક્યા હતાં. રાજ્યામાં સતત વરસાદથી અને મુખ્ય ડેમોમાં પાણી છોડવામાં આવતા સાબરમતી, મહી સહિતની નદીઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતો અને કાંઠાના વિસ્તારો જળબંબાકાર થયા હતાં.

ગયા વર્ષે 26 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં 100 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. સિઝનનો 100 ટકા વરસાદ પૂરો થતાં ખેડૂતોમાં પણ આનંદની લાગણી ફેલાઈ હતી. ગુજરાતમાં 2022માં સિઝનનો સરેરાશ 122.09 ટકા, 2023માં 108.16 ટકા, 2024માં 143.14 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.

દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 62 ઈંચ, પૂર્વ મધ્ય ગુજરાતમાં 33 ઈંચ સાથે બંને વિસ્તારોમાં 100 ટકા વરસાદ નોંધાયો હતો.

જિલ્લાવાર જોવામાં આવે તો પાંચ જિલ્લામાં 50 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં વલસાડમાં વડમાં સૌથી વધુ 90, ડાંગમાં 88, નવસારીમાં 72 ઈંચ વરસાદનો સમાવેશ થાય હતો.

રાજ્યના કુલ 70 તાલુકામા 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 119 ઈંચ, નવસારીના ખેરગામમાં 98.50 જ્યારે વલસાડના ધરમપુરમાં 98.38 ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. ગુજરાતમાં 10 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એકપણ તાલુકા નથી. ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ ન પડયો હોય તેવું છેલ્લે 2021ના વર્ષમાં બન્યું હતું. એ વખતે સરેરાશ 98 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો.

ભારે વરસાદને કારણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ મધ્યપ્રદેશ સહિતના ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જળસ્તરમાં વધારો થતાં સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલાયા હતા અને નર્મદા નદી કાંઠાના ગામોને ઍલર્ટ કરાયા હતાં.

નર્મદા ડેમની હાલની જળ સપાટી 135.91 મીટરે પહોંચી હતી. જે તેની મહત્તમ સપાટી 138.68 મીટરથી 2.77 મીટર દૂર છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી ગુરુવારે અચાનક 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં મહી નદીના જળસ્તરમાં વધારો થતાં તાત્રોલી નજીક આવેલા અજંતા પ્રાઇવેટ લિમિટેડના હાઇડ્રો પાવર પ્રોજેક્ટમાં કામ કરી રહેલા પાંચ કર્મચારીઓ ગુમ થયા હતાં. આ ઘટનાને પગલે NDRF, ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. તે સમયે પ્લાન્ટની અંદર લગભગ 15થી વધુ કર્મચારીઓ હતા, જેમાંથી 10 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યાં હતાં. ગુરુવારે બપોરે મહી નદીનું પાણી પ્લાન્ટ પરિસરમાં ઘૂસી ગયું હતું અને 24 કલાક પછી પાંચ કામદારોનો કોઈ પત્તો લાગ્યો ન હતો

બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા સુરતમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહેતી થઈ હતી અને સુરતીઓ જીવ તાળવે ચોંટ્યો હતો. નદીના પાણી નાવડી ઓવારા અને ડક્કા ઓવારામાં ભરાયા હતાં.

વડોદરાને પીવાનું પાણી પૂરું પાડતા આજવા સરોવર અને તેના ઉપરવાસમાં ભારે વરસાદ થતાં શુક્રવારે આજવાના 62 દરવાજા ખોલવામાં આવ્યા હતાં. વડોદરામાં છેલ્લા 24 કલાકમાં સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો, જેના કારણે પણ વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં વધારો થયો હતો.

LEAVE A REPLY