કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમે 22 જાન્યુઆરીના રોજ દેશના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ પર બીજા વિશ્વયુદ્ધના અંતમાં અન્ય દેશો સાથે ઊભા થયેલા સંબંધોને બગાડવાનો આરોપ લગાવીને કહ્યું હતું કે, અમેરિકા ‘થોડાક જ મહિનાઓમાં ઓળખી ન શકાય તેવું બદલાઇ ગયું છે.’ ન્યૂસોમને એક અગ્રણી વિપક્ષી નેતા અને 2028માં સંભવિત પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર માનવામાં આવે છે. ન્યૂસોમે યુરોપિયન દેશોના નેતાઓને ‘પોતાનું સમર્થન મજબૂત કરવા’ અને ગ્રીનલેન્ડને હસ્તગત કરવાના ટ્રમ્પના પ્રયાસનો ‘ખૂબ જ આક્રમક રીતે સામનો કરવા’ વિનંતી કર્યાના એક દિવસ પછી આવો આરોપ મુક્યો હતો. સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમને સંબોધનમાં ન્યૂસોમે કહ્યું, ‘80 વર્ષથી વધુ જૂના સંબંધોને તોડવા એ એક નોંધપાત્ર મુદ્દો છે. વિશ્વાસ અને સંગઠનો બનાવવામાં દસકાઓ વિતી જાય છે, પરંતુ તેને બગાડવામાં અઠવાડિયા, ટ્વીટ, કલાકો, મિનિટો, અને થોડોક જ સમય થાય છે.’ ‘વિનાશ એ શક્તિ નથી. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એ શક્તિના સ્વરૂપમાં રહેલી નબળાઈ છે.’ ગ્રીનલેન્ડને હસ્તગત કરવાના પ્રયાસથી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રાન્સએટલાન્ટિક નાટો સંબંધોને ગંભીર અસર પહોંચાડી છે અને આ પગલાનો વિરોધ કરનારા યુરોપિયન દેશો પર ટેરિફ લાદવાની ચીમકી આપી હતી.













