કેનેડામાં ભારતીય મૂળનાં મહિલા ડોક્ટર સુમન ખુલબેને સેક્સ્યુઅલ દુષ્કૃત્ય અને દર્દીઓ સાથે પ્રેમ સંબંધ રાખવા બદલ દોષિત ઠેરવવામાં આવી હતી. અંતે પછી તેનું મેડિકલ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. નેશનલ પોસ્ટ મીડિયાના રીપોર્ટ મુજબ, તેણે એક પુરુષ દર્દી સાથે સેક્સ્યુઅલ દુષ્કૃત્ય અને બે અન્ય લોકો સાથે અણછાજતું વર્તન કર્યા પછી તેના પ્રાંતમાં તેનું રજિસ્ટ્રેશન રદ્દ કરવામાં આવ્યું હતું. આ મહિલાના કેસની સમીક્ષા કરી રહેલી પેનલે અંતે તારણ કાઢ્યું હતું કે, ખુલબે એ દર્દીઓ સાથેના પ્રોફેશનલ સંબંધ જાળવ્યા નહોતા. પેનલના તારણ મુજબ, ‘આ ડોક્ટર તેના દર્દીઓ સાથે મિત્ર તરીકેનો, સામાજિક જીવન, રમતગમત જીવન અને તેના બિઝનેસ પાર્ટનર્સ જેવો વ્યવહાર રાખતી હતી. કોલેજ ઓફ ફીઝિશિયન્સ એન્ડ સર્જન્સ ઓફ ઓન્ટારિયો ડોક્ટર અને દર્દી વચ્ચેના સેકસ્યુઅલ સંબંધ બાબતે જરા પણ સમાધાન કરવામાં માનતી નથી, પછી ભલે તે સંબંધ સંમતિપૂર્વક રાખવામાં આવ્યા હોય તો પણ, સંસ્થા તેને સ્વીકારતી નથી. પેનલના નિર્ણયમાં જણાવાયું હતું કે, ડો. સુમન ખુલબેનો ‘એક દર્દી સાથે શારીરિક સંબંધ હતો અને અન્ય લોકો સાથે અંગત ગાઢ સંબંધ હતા. બે દર્દીઓ સાથે તેના બિઝનેસ સંબંધો હતા.’ મીડિયા રીપોર્ટ મુજબ, ડો. ખુલબે આ નિર્ણય સામે અપીલ કરવા ઇચ્છે છે.
