કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની જણાવ્યું હતું કે, તેમની સરકાર 2027ના અંત સુધીમાં દેશમાં હંગામી નિવાસીઓની સંખ્યા કુલ વસ્તીના પાંચ ટકાથી ઘટાડશે, આ નિવાસીઓમાં વિદેશી વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે. ઇન્ટરનેશનલ શિક્ષણ માટેના વૈશ્વિક કક્ષાના પ્લેટફોર્મ-PIEના રીપોર્ટ મુજબ, ભારતના વિદ્યાર્થીઓને વધુ પ્રમાણમાં વિઝા ન મળ્યા હોવાથી તેઓ સૌથી વધુ અસર પામ્યા છે, જેમાં ‘દર પાંચમાંથી ચાર’ વિદ્યાર્થીઓની વિઝા અરજી આ વર્ષના એપ્રિલથી જૂનના સમયગાળામાં ‘ફગાવવામાં’ આવી હતી. આલ્બર્ટા પ્રાંતના પાટનગર એડમોન્ટન ખાતે તાજેતરમાં લિબરલ પાર્ટી કૌકસને સંબોધન કરતાં, કાર્નીએ કહ્યું હતું કે, ‘આ સરકાર કેનેડાના ઇમિગ્રેશન દરને સ્થાયી કક્ષાએ જાળવી રાખશે અને તેમાં 2027ના અંત સુધીમાં હંગામી વર્કર્સ અને વિદેશી વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેનેડાની વસ્તીના પાંચ ટકાથી ઓછી કરવા સહિત, ગત વર્ષના 7.25 ટકાના ઉચ્ચ સ્તરથી નીચે લાવવાનો સમાવેશ થાય છે.’
