પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના સરેમાં શીખ નેતા અને બિઝનેસમેન રિપુદમન સિંહ મલિકની ગુરૂવારે સવારના સમયે તેમની ઓફિસ બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 75 વર્ષના મલિકને 1985માં એર ઇન્ડિયાની ફ્લાઇટ પર ત્રાસવાદી હુમલાના આરોપમાંથી અગાઉ મુક્ત કરાયા હતા.

આ ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના કહેવા પ્રમાણે 3 વખત ગોળીબાર થયો હોવાનો અવાજ સંભળાયો હતો અને મલિકના ગળામાં પણ ગોળી વાગી હતી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના પ્રવક્તાએ ગોળીબારની આ ઘટના ટાર્ગેટ કિલિંગ હોવાની આશંકા વ્યક્ત કરી છે.

આ હત્યાની સાથે જ 1985ની એર ઈન્ડિયા ફ્લાઈટ બ્લાસ્ટની ઘટના ફરી એક વખત ભારતમાં ચર્ચિત બની હતી.. રિપુદમન મલિક પર એર ઈન્ડિયાની ફ્લાઈટને હવામાં જ બોમ્બ વડે ઉડાવી દેવાનો આરોપ લાગ્યો હતો. તે કેસ 20 વર્ષ સુધી કેસ પણ ચાલ્યો હતો અને મલિક 4 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. જોકે બાદમાં 2005ના વર્ષમાં તેમને આરોપમુક્ત કરાયા હતા. 3 જૂન 1985ના રોજ બનેલી તે ઘટનામાં મોન્ટ્રીયલથી દિલ્હી જઈ રહેલી ફ્લાઈટને રસ્તામાં અને હવામાં જ બોમ્બ વડે ઉડાવી દેવામાં આવી હતી. તેમાં ફ્લાઈટમાં સવાર તમામ 329 લોકોના મોત થયા હતા.