પીઢ અભિનેતા મનોજ બાજપાઈની ખૂબ લોકપ્રિય વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝન એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલીઝ થઇ ગઈ છે. આ સ્પા થ્રિલર સિરીઝ સ્ટ્રીમ થયાના એક જ અઠવાડિયામાં સમગ્ર વર્ષમાં સૌથી વધુ જોવાયેલી સીરિઝ બની ગઈ છે. એમેઝોન પ્રાઇમ પર પણ તે ટ્રેન્ડિંગ કન્ટેટમાં પ્રારંભથી જ આગળ હતી.
આ સિરીઝની ત્રીજી સીઝન 21 નવેમ્બરે રીલીઝ થઇ હતી, જે આગળની સીઝન પછી છેક ચાર વર્ષના લાંબા અંતર પછી રીલીઝ થઇ હતી. આ સિરીઝ રીલીઝના પ્રથમ જ અઠવાડિયામાં તે ભારતમાં મોખરે પહોંચી ગઈ હતી. આ ઉપરાંત તે યુકે, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુએઈ, સિંગાપોર અને મલેશિયા સહિતના 35 દેશોના ફિલ્મ ટ્રેન્ડિંગ કન્ટેન્ટમાં પ્રથમ પાંચમાં સ્થાન પામી હતી.
ડિજિટલ પ્લેટફોર્મના માર્કેટમાં આ સીરિઝની એટલી આતુરતા હતી કે તેણે તેની આગળની બે સીઝનનો પણ રેકોર્ડ તોડી નાખ્યો છે. તેની પ્રથમ સીઝન 2019માં આવી હતી અને બીજી સીઝન 2021માં આવી હતી. ત્રીજી સીઝન આ બંને સીઝનથી વધારે જોવાઈ છે. એટલું જ નહીં આ વર્ષે એમેઝોન પ્રાઇમ વીડિયો પર રીલીઝ થયેલાં સંપૂર્ણ કન્ટેન્ટમાં પણ આ સિરીઝ સૌથી વધુ જોવાઈ છે. આ સિરીઝના લેખક-દિગ્દર્શક ડીકે અને રાજે જણાવ્યું હતું કે, ‘અમને આ ત્રીજી સીઝન માટે અનુમાન કરતાં પણ વધારે સારો પ્રતિસાદ મળ્યો છે, આ પ્રતિસાદ અમને ફરી વિશ્વાસ અપાવે છે કે દર્શકો આ સિરીઝને વધુ મોટી કરવાના, સારી કરવાના અને વધુ રસપ્રદ અને મનોરંજક બનાવવાના અમારા પ્રયત્નોની કદર કરે છે.”
આ ત્રીજી સીઝનમાં મનોજ બાજપાઈ ફરીથી શ્રીકાંત તિવારીના પાત્રમાં છે, જે મુખ્ય વિલન રુકમા એટલે કે જયદીપ આહલાવતનો સામનો કરે છે.
તિવારીને નોર્થ ઇસ્ટના રાજ્યોમાં ચાલી રહેલી સરકારની શાંતિ મંત્રણા નિષ્ફળ કરનારા એક સ્મગલર, ડ્રગ ડીલર અને ઘાતકી વ્યક્તિને શોધી કાઢવાનું કામ સોંપાય છે. જેવો તે આ રુકમાને ઓળખીને તેને પકડવાની તૈયારી કરે છે કે, મનોજ તિવારીનો સમગ્ર પરિવાર હુમલાનો ભોગ બને છે. કારણ કે રુકમા માને છે કે તેની પ્રેમિકાને શ્રીકાંત તિવારીએ મારી છે. આમ બે મજબુત કલાકારોની ટક્કરે પણ આ સિરિઝને વધુ લોકપ્રિય બનાવી છે. આ સીઝનને એવા અંત સાથે છોડવામાં આવી છે કે તે જોયાં પછી દર્શકો તેના પાર્ટ 2 અથવા તો તેની ચોછી સીઝનની પણ ત્રીજી સીઝન કરતાં વધુ આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. આ સિરીઝમાં નિમ્રત કૌર ગુલ પનાગ અને સીમા બિસ્વાસ જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં છે.

LEAVE A REPLY