ઉત્તરાખંડમાં છેલ્લાં ત્રણ દિવસથી ભારે વરસાદના કારણે ચારધામની યાત્રાએ નીકળેલા ગુજરાતી સહિતના અનેક પ્રવાસીઓ અધવચ્ચે અટવાઇ ગયા છે. ઉત્તરાખંડ સરકારે રેડ એલર્ટ જાહેર કરતાં પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડાયા છે. ગુજરાતના સેંકડો યાત્રિકો ઉત્તરકાશી, નેતાલા અને આસપાસના વિસ્તારોમાં અટવાઇ ગયા છે
સોમવારની રાત્રીથી રુદ્રપ્રયાગ, ચમોલી અને ઉત્તરકાશીમાં વરસાદ પડી રહ્યો છે. મંગળવારે આ યાત્રાના માર્ગો માચે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેનાથી સાવચેતીરૂપે કેદારનાથ અને બદરીનાથની યાત્રા અટકાવી દેવામાં આવી છે. વહીવટીતંત્રએ ચારધામ યાત્રીઓને વરસાદમાં યાત્રા ન કરવાની અપીલ કરી છે.
જિલ્લાધિકારી મનુજ ગોયલે જણાવ્યું હતું કે, હવામાન એલર્ટ અંગે ભારે વરસાદની સંભાવના છે. યાત્રીઓની સુરક્ષિત સ્થળો પર જવાનું કહેવામાં આવ્યું છે. જે યાત્રી કેદરનાથ પહોંચી ગયા છે. તેમને દર્શન કર્યા પછી ગૌરીકુંડ અને સોનપ્રયાગ મોકલવામાં આવી રહ્યા છે. શનિવારે 16,338 તીર્થયાત્રીઓએ બાબાના દર્શન કર્યા હતા. અત્યાર સુધી કેદારનાથ ધામમાં 85થી 90 હજારની નજીક તીર્થયાત્રી દર્શન કરી ચૂક્યા છે. બીજી તરફ ચાર ધામ યાત્રા અટકાવી દેવામાં આવતાં અનેક ગુજરાતી પરિવારનો પમ ફસાયા છે.

            












