(Photo by STR/AFP via Getty Images)

ઇન્સ્ટાગ્રામ લાઇવ વીડિયોમાં ક્રિકેટર યુજવેન્દ્ર ચહન સામે જાતિવિષયક ટિપ્પણી કરવાના આરોપસર ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની હરિયાણા પોલીસ દ્વારા શનિવારે ધરપકડ કરવામાં આવી હતી. જોકે થોડા સમયમાં જ તેમને વચગાળાના જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતા. યુવરાજ સિંહે ગત વર્ષે લોકડાઉનના સમયમાં ઈન્સ્ટાગ્રામ પર ક્રિકેટર રોહિત શર્મા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે યુજવેંદ્ર ચહલ માટે આપત્તિજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યાર બાદ યુવી વિરૂદ્ધ એસસી/એસટી એક્ટ અંતર્ગત કેસ નોંધાવાયો હતો.

ક્રિકેટર યુવરાજ સિંહની ધરપકડના બનાવને પોલીસે પહેલા ગુપ્ત રાખ્યો હતો. હરિયાણાની હાંસી પોલીસે શનિવારે જ તેમની ધરપકડ કરીને તપાસમાં સામેલ કર્યા હતા. ત્યાર બાદ રવિવારે મોડી રાતે તેમની ધરપકડની વાત સામે આવી હતી. પોલીસે હિસાર સ્થિત પોલીસ વિભાગની ગેજેટેડ મેસમાં બેસાડીને યુવરાજની પુછપરછ કરી હતી અને આ કેસ સાથે સંકળાયેલા કેટલાક સવાલ-જવાબ કર્યા હતા. ત્યાર બાદ હાઈકોર્ટના નિર્દેશાનુસાર યુવરાજ સિંહને ઔપચારિક જામીન પર છોડી દેવામાં આવેલા.

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ યુવરાજ સિંહે પોતાના નિવેદન મુદ્દે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું હતું કે, ‘હું એ વાત સ્પષ્ટ કરી દેવા માગુ છું કે કોઈ પણ પ્રકારના ભેદભાવમાં વિશ્વાસ નથી રાખતો. પછી ભલે તે રંગ, લિંગ કે ધર્મના આધાર પર હોય. મેં મારી જિંદગી લોકોની ભલાઈ માટે લગાવી છે અને આગળ પણ આવું જ કરતો રહીશ. મારા મિત્રો સાથે વાતચીત દરમિયાન મેં જે કહ્યું તેને ખોટી રીતે સમજવામાં આવ્યું. જોકે જવાબદાર ભારતીય નાગરિક હોવાના કારણે હું એમ કહું છું કે જો મેં કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે તો તેના માટે દુઃખ વ્યક્ત કરું છું.’