Chennai Super Kings beat Gujarat Titans in the final
. (PTI Photo/R Senthil Kumar)

ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સ સામે 15 રને વિજય મેળવીને આઇપીએલ 2023ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ગુજરાત પાસે હજી પણ ફાઈનલમાં પહોંચવાની તક છે. બુધવારે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાનારી એલિમિનેટરની વિજેતા ટીમ સામે ગુજરાત બીજી ક્વોલિફાયરમાં ટકરાશે.

ઋતુરાજ ગાયકવાડના 60 અને ડેવોન કોનવેના 40 રનની મદદથી ચેન્નઈ સુપર કિંગ્સે નિર્ધારીત 20 ઓવરમાં સાત વિકેટે 172 રનનો સ્કોર નોંધાવ્યો હતો. તેના જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરમાં 157 રનમાં ઓલ-આઉટ થઈ ગઈ હતી. ગુજરાત માટે શુભમન ગિલે 42 અને રાશિદ ખાને 30 રન ફટકાર્યા હતા. ગુજરાત સામે 173 રનનો લક્ષ્યાંક હતો પરંતુ તેની શરૂઆત સારી રહી ન હતી.

રિદ્ધિમાન સહા અને ઈનફોર્મ શુભમન ગિલની જોડી ઓપનિંગમાં આવી હતી. પરંતુ સહા 12 રન નોંધાવીને આઉટ થયો હતો. ત્યારબાદ બેટિંગમાં આવેલો કેપ્ટન હાર્દિક પંડ્યા આઠ રન નોંધાવીને આઉટ થયો હતો. શુભમન ગિલે 38 બોલમાં ચાર ચોગ્ગા અને એક સિક્સર સાથે 42 રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ડેવિડ મિલર ચાર અને રાહુલ તેવાટિયા ત્રણ રન નોંધાવીને આઉટ થયો હતો. રાશિદ ખાને 16 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી 16 બોલમાં 30 રન ફટકારીને લડત આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેનો પ્રયાસ ટીમ માટે પૂરતો ન હતો.

ચેન્નઈ માટે દીપક ચહર, મહીશ તિક્શના, રવિન્દ્ર જાડેજા અને પથિરાનાએ બે-બે વિકેટ ઝડપી હતી જ્યારે તુષાર દેશપાંડેને એક સફળતા મળી હતી.

LEAVE A REPLY

fifteen + 1 =