ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાઈ જતાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ડેમ સાઇટ એક્તાનગર ગયા હતા અને નર્મદાના નીરના વધામણા કર્યા હતા.મા નર્મદાને ચૂંદળી અને શ્રીફળ અર્પણ કરી વધામણાં કર્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના 73માં જન્મદિવસે જન્મદિવસની શુભેચ્છાઓ આપતાં, મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદીની મજબૂત ઇચ્છાશક્તિને કારણે ડેમની ઊંચાઈ વધારવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યાના 17 દિવસમાં ડેમની ઊંચાઈ વધારવાનો નિર્ણય કર્યો હતો. 2014માં મોદીએ વડા પ્રધાન પદ સંભાળ્યા બાદ ડેમની ઊંચાઈ 121.92 મીટરથી વધારીને 138.68 મીટર કરવામાં આવી હતી.

મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે “આજે, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છને સરકાર દ્વારા ઘડવામાં આવેલી યોજના મુજબ સિંચાઈ અને પીવા માટે નર્મદા ડેમનું પાણી મળી રહ્યું છે. શક્ય હોય ત્યાં સુધી, અમે અહીંથી વહેતા પાણીનો સિંચાઈ, પીવાના પાણી અને તળાવો ભરવા માટે ઉપયોગ કરીશું.

મુખ્યપ્રધાન ટ્વીટ કરીને જણાવ્યું હતું કે સરદાર સરોવર નર્મદા ડેમ તેની ઐતિહાસિક જળ સપાટીએ છલકાતાં એકતાનગર ખાતે નર્મદા મૈયાના નીરના વધામણા કર્યા. નર્મદાના મૈયાની કૃપા ગુજરાત પર સદૈવ વરસતી રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વરસાવે તેવી પ્રાર્થના કરી. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન તરીકે સુકાન સંભાળ્યાના માત્ર 17 દિવસની અંદર સરદાર સરોવર ડેમ પર દરવાજા લગાવવાની મંજૂરી આપી હતી, તેના પરિણામે આજે ડેમનો પૂર્ણ ક્ષમતાએ ઉપયોગ થઈ રહ્યો છે અને નર્મદા મૈયાના જળ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોને નવપલ્લવિત કરી રહ્યા છે.

LEAVE A REPLY

five × two =