ચીનની સામ્યવાદી સરકારે હવે દંપતીઓને ત્રીજા બાળકને જન્મ આપવા માટે મંજૂરી આપી છે, જેથી તે હવે ગુનો કહેવાશે નહીં. ચીનમાં શાસક સામ્યવાદી પક્ષે તેમની નેશનલ એક્ઝિક્યુટિવમાં ત્રણ બાળકોની નીતિને ઔપચારિક સમર્થન આપ્યું હતું. ચીને વર્ષ 2016માં તેની નીતિ સુધારીને બે બાળકોને જન્મ આપવાની છૂટ આપી હતી. ચીને ઝડપથી ઓછી થઇ રહેલી વસ્તીને ધ્યાનમાં રાખીને આ નીતિ અપનાવવાની ફરજ પડી છે.
નેશનલ પીપલ્સ કોંગ્રેસ (એનપીસી)ની કારોબારી કમિટીએ સંશોધિત જનસંખ્યા તેમજ કુટુંબ નિયોજન કાયદાને પસાર કર્યો હોવાથી હવે ચીની દંપતીઓને ત્રણ બાળકોને જન્મ આપવાની મંજૂરી મળી છે. ચીનમાં વધતી જતી મોંઘવારીના લીધે લોકો ઓછા બાળકોને જન્મ આપી રહ્યા છે. આ ચિંતાઓનો સામનો કરવા માટે કાયદામાં વધુને વધુ સામાજિક અને આર્થિક સહયોગના ઉપાય પણ કરવામાં આવ્યા છે.
સરકારી અખબાર ચાઇના ડેઇલીમાં જણાવ્યા પ્રમાણે નવા કાયદામાં બાળકોના ઉછેર, તેમના શિક્ષણનો ખર્ચ ઘટાડવા માટે અને તેની સાથે કુટુંબનો બોજો ઘટાડવા નાણા, કર વીમા, શિક્ષણ, આવાસ અને રોજગારમાં સહયોગાત્મક પગલાં ભરવામાં આવશે.
ચીને વર્ષ 2016માં તેની દસકાઓ જૂની એક બાળકની નીતિ રદ કરીને બે બાળકોને જન્મ આપવાની છૂટ આપી હતી. ચીનના પોલીસ મેકર્સે દેશમાં આવી રહેલા જનસંખ્યા સંકટ માટે એક બાળકની નીતિને જવાબદાર ઠેરવી હતી.