ચીનમાં રીઅલ એસ્ટેટ સેક્ટરમાં સંકટ ઊભું થતાં એશિયાની સૌથી ધનિક મહિલાએ પોતાની અડધાથી વધુ સંપત્તિ ગુમાવી છે. તાજેતરમાં જાહેર થયેલા બિલિયોનેર ઇન્ડેક્સમાં જાણવા મળ્યું છે કે, યાંગ હુઇયાન ચીનની પ્રોપર્ટી કંપની-કંટ્રી ગાર્ડનમાં મોટી શેરધારક હતી. તેમની સંપત્તિમાં 52 ટકાનો ઘટાડો થયો છે. એક વર્ષ અગાઉ તેમની સંપત્તિ 23 બિલિયન ડોલર હતી જેનું મૂલ્ય હવે 11.3 બિલિયન ડોલર થઇ ગયું છે. બ્લૂમબર્ગના બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં આ માહિતી આપવામાં આવી છે.
હોંગકોંગના શેર બજારમાં ગુઆંગડોંગસ્થિત કંટ્રી ગાર્ડનના શેરના ભાવમાં 15 ટકાનો ઘટાડો નોંધાયો હતો. કંપનીએ જાહેરાત કરી હતી કે, તેઓ નાણા એકત્ર કરવા માટે શેરનું વેચાણ કરશે, આ જાહેરાત પછી કંપનીને શેર બજારમાં મોટું નુકસાન થયું હતું.
યાંગને પોતાના પિતા પાસેથી આ સંપત્તિ વારસામાં મળી હતી. કંટ્રી ગાર્ડનના સ્થાપક યાંગ ગ્વોકિયાંગે 2005માં પોતાના શેર તેમની પુત્રીને ટ્રાન્સફર કર્યા હતા, તેમ સરકારી મીડિયાએ જણાવ્યું હતું.
બે વર્ષ પછી ડેવલપરે આઇપીઓ જાહેર ઓફર કરતા તેઓ એશિયાનાં સૌથી ધનિક મહિલા બની ગયા હતા.
પરંતુ હવે તેમને સૌથી ધનિક મહિલા તરીકેનું પોતાનું સન્માન જાળવવામાં તકલીફ પડી રહી છે. હવે તેમની સ્પર્ધા કેમિકલ ફાઇબર ટાઇકૂન ફાન હોંગવેઇ સાથે છે, તેમની નેટવર્થ 11.2 બિલિયન ડોલરની છે.
ચીની સત્તાવાળાઓએ 2020માં વધુ દેવા પ્રત્યે કડક વલણ અપનાવતા એવરગ્રાન્ડ અને સુનાક જેવા મોટા બિઝનેસીઝ પણ નાણાભીડ અનુભવી રહ્યા છે. તેઓ નાદારીના આરે પણ પહોંચી ગયા છે.
દેશમાં મિલકતના નિર્માણમાં અને તેને મેળવવામાં વિલંબથી તેને ખરીદનારાઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે. જ્યારે કંટ્રી ગાર્ડન અત્યાર સુધીમાં આ સેક્ટરમાં આવેલા સંકટથી અસર પામ્યું નથી. આ જાહેરાતથી રોકાણકારોમાં ભય ઊભો થયો કે, તેઓ દેવુ ચૂકતે કરવા માટે શેર વેચીને 343 મિલિયન ડોલર ઊભા કરશે.
ચીનનું પ્રોપર્ટી માર્કેટ દેશના જીડીપીમાં અંદાજે 18થી 30 ટકા હિસ્સો ધરાવે છે અને તે વિશ્વના બીજા નંબરના સૌથી મોટા અર્થતંત્રની વૃદ્ધિમાં મહત્ત્વનું પરિબળ છે.
આ સ્થિતિ અંગે વિશ્લેષકોએ ચેતવણી આપી છે કે કોવિડ-19 મહામારીની શરૂઆત પછીના સૌથી ખરાબ એવા નિરાશાજનક વૃદ્ધિના આંકડા જાહેર થયા પછી, આ રીઅલ એસ્ટેટ સેક્ટર ખરાબ ચક્રમાં ફસાઈ ગયું હોવાથી ગ્રાહકોનો ભરોસો ઢીલો પડશે.