કોવિડ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે ભારત પરત ગયેલા મેડિકલના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને નેશનલ મેડિકલ કમિશન (NMC)એ રાહત આપી છે. કમિશને જણાવ્યું હતું કે, ચીન અને યુક્રેનથી આવેલા જે વિદ્યાર્થીઓને ૩૦ જૂન, ૨૦૨૨ પહેલાં તેમના ઇન્સ્ટિટ્યુટ તરફથી ડિગ્રી મળી છે તે ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ (FMG) પરીક્ષા આપી શકશે.
FMG પરીક્ષામાં પાસ થયા પછી આ વિદ્યાર્થીઓ માટે અત્યારના એક વર્ષને બદલે બે વર્ષ માટે કમ્પલસરી રોટેટિંગ મેડિકલ ઇન્ટર્નશિપ (CRMI) જરૂરી બનશે. NMCએ એક જાહેર નોટિસમાં જણાવ્યું હતું કે, “બે વર્ષની CRMI પૂરી કર્યા પછી જ વિદેશી મેડિકલ સ્નાતકો રજિસ્ટ્રેશન કરાવી શકશે. સુપ્રીમ કોર્ટે 29 એપ્રિલે આપેલા નિર્દેશ અનુસાર ગયા વર્ષે મેડિસિનનો અંડરગ્રેજ્યુએટ કોર્સ કરી રહેલા (અને જેમણે કોવિડ-૧૯ અને રશિયા-યુક્રેન યુદ્ધને કારણે તેમની વિદેશી મેડિકલ સંસ્થા છોડવી પડી હતી) અને જેમણે સફળતાપૂર્વક અભ્યાસ પૂરો કરી ૩૦ જૂન, ૨૦૨૨ પહેલાં તેમની ઇન્સ્ટિટ્યુટનો કોર્સ પૂરો કર્યાનું સર્ટિફિકેટ મેળવ્યું છે તેમને FMG પરીક્ષા આપવાની મંજૂરી અપાશે.”