પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના શિરે અત્યાર સુધી દુનિયાના સૌથી ધનિક દેશનો તાજ હતો તે હવે ચીને છીનવી લીધો છે. ચીન હવે દુનિયાનો નંબર વન ધનવાન દેશ બની ગયો હોવાનું ગ્લોબલ કન્સલ્ટન્સી કંપની મેકિન્સેએ તાજેતરમાં તેના અહેવાલમાં જણાવ્યું હતું. આ અહેવાલમાં વિશ્વની 60 ટકા આવક ધરાવતા દસ દેશોની બેલેન્સશીટની સમીક્ષા કરવામાં આવી હતી.
વિશ્વની સંપત્તિમાં બે દાયકામાં ત્રણ ગણો વધારો થયો છે અને તેમાં ચીન સૌથી આગળ છે. એક અહેવાલ પ્રમાણે દુનિયાની ત્રીજા ભાગની સંપત્તિ ચીન પાસે છે.
વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનમાં સામેલ થતા પહેલા 2000ની સાલમાં ચીનની સંપત્તિ સાત ટ્રિલિયન ડોલર હતી તે વધીને હવે 120 ટ્રિલિયન ડોલર થઈ ગઈ છે. ચીનની ઈકોનોમીમાં સતત તેજી રહી છે અને તેના પગલે છેલ્લા 20 વર્ષમાં દુનિયાએ જે સંપત્તિ ઉભી કરી છે તેમાંથી ત્રીજા ભાગનો હિસ્સો ચીનનો એકલાનો છે. આ સમયગાળામાં અમેરિકાની સંપત્તિ બમણી – 90 ટ્રિલિયન ડોલર થઈ છે.
દુનિયામાં 60 ટકા આવક માટે જવાબદાર 10 દેશો પર નજર રાખતી મેનેજમેન્ટ ફર્મ મેકિન્સે એ્ડ કંપનીના રીપોર્ટ મુજબ 2020માં દુનિયાની કુલ સંપત્તિ 514 ટ્રિલિયન ડોલર હતી, જે 2000ની સાલમાં 156 ટ્રિલિયન ડોલર હતી.