FILE PHOTO- Chiranjeevi

સાઉથ ઇન્ડિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા ચિરંજીવીને તાજેતરમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા એક સર્ટિફિકેટ એનાયત થયું હતું. આ સર્ટિફિકેટમાં તેમને ઇન્ડિયન સિનેમાના ‘મોસ્ટ પ્રોલિફિક સ્ટાર’નું બિરુદ આપવામાં આવ્યું હતું. હૈદરાબાદ ખાતે યોજાયેલા એક સમારંભમાં ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિએ ચિરંજીવીને આ સર્ટિફિકેટ એનાયત કર્યું હતું.

તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન મળશે તેવું ક્યારેય વિચાર્યું ન હતું. ફિલ્મી કારકિર્દીના આ વર્ષોમાં ડાન્સ એ તેમના જીવનનો ભાગ છે. ચિરંજીવીએ 45 વર્ષની ફિલ્મી સફરમાં 156 ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાં 537 ગીત હતા અને આ તમામમાં તેમણે 24,000 ડાન્સ મૂવ પરફોર્મ કર્યા છે. ચિરંજીવીએ તેમની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 22 સપ્ટેમ્બર 1978ના દિવસે અભિનય સાથે કરી હતી. આમ, તેમને 45 વર્ષ પછી આ જ દિવસે સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આમિર ખાને પણ ચિરંજીવી સાથે હાજરી આપી હતી. આમિરે ચિરંજીવીને પોતાના મોટા ભાઈ ગણાવ્યા હતા. આમિરે કહ્યું હતું કે, ચિરંજીવીએ દરેક ગીતમાં પોતાનો જીવ રેડીને ડાન્સ કર્યો છે અને તેઓ દરેક ડાન્સને એન્જોય કરે છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડીએ સોશિયલ મીડિયામાં ચિરંજીવીના આ સન્માનને તેલુગુ લોકોના સન્માન સમાન ગણાવ્યું હતું. ચિરંજીવીએ તેલુગુ ઉપરાંત હિન્દી, તમિલ અને કન્નડ ભાષાની ફિલ્મોમાં કામ કર્યું છે. 2006માં તેમને દેશના ત્રીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરાયા હતા. આ વર્ષે દેશનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મવિભૂષણ તેમને એનાયત થયું હતું.

LEAVE A REPLY