ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને ગુજરાતીઓના ફેવરિટ હિલસ્ટેશન માઉન્ટ આબુમાં સ્થાનિક લોકો તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. જ્યાં હંમેશા વધુ ઠંડી હોય છે તેવા કચ્છના નલિયા વિસ્તારમાં ઠંડીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. શુક્રવારે ત્યાં લઘુત્તમ તાપમાન માઇનસ 2.5 ડિગ્રી નોંધાયું છે. જ્યારે હવામાન વિભાગે રાજ્યમાં હજુ ઠંડી વધશે તેવી આગાહી પણ કરી છે.
ગુજરાત-રાજસ્થાનની બોર્ડર પર આવેલા પ્રવાસન સ્થળ માઉન્ટ આબુમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. બુધવારે રાત્રે ત્યાં લઘુત્ત્મ તાપમાન માઇનસ 1 ડિગ્રી અને મહત્તમ તાપમાન 17 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટ ઉપર વસતા સ્થાનિક લોકોએ બરફની મજા માણી હતી. પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર છવાયેલી જોવા મળી હતી. લોકો ગાડીઓ પર પડેલા બરફને જોઇને રોમાંચિત થઇ ઉઠ્યા હતા. જોકે, વધુ ઠંડીને કારણે પ્રવાસીઓ હોટેલમાં જ રહેવાનું પસંદ કર્યું હતું. પ્રવાસીઓએ હોટેલ્સમાં ઠંડીથી બચવા તાપણું કરીને મજા માણી હતી.