ઉત્તર ભારતમાં કોલ્ડ વેવથી સામાન્ય જનજીવનને અસર પહોંચી છે. અનેક રાજ્યોમાં તાપમાન માઇનસમાં નોંધાયું છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઈનસ પાંચ ડિગ્રીથી પણ નીચે ગયો હતો. આબુના જાણીતા નખી લેકમાં બોટ અને પાણીની વચ્ચે બરફ જામી ગયો હતો. મેદાનોમાં પણ જાણે બરફની ચાદર પથરાઈ ગઈ હતી. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ભારતભરમાં કાતિલ ઠંડી ૨૫ ડિસેમ્બર સુધી રહેશે, પછી થોડી રાહત થશે. વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તર ભારતનું લઘુત્તમ તાપમાન ૩૦ ડિસેમ્બર સુધી બે ડિગ્રી સુધી રહે તો પણ નવાઈ નહીં. ખાસ તો, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા, કાશ્મીર, રાજસ્થાન જેવા રાજ્યોમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છએ. હિમાચલ પ્રદેશના કેલોંગનું તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી થયું હતું. હિમાચલ પ્રદેશના ઘણાં સ્થળોએ તાપમાનનો પારો શૂન્યની નીચે પહોંચી ગયો હતો.
રાજધાની દિલ્હીમાં શુક્રવારે મોસમનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. દિલ્હીમાં ૪.૪ ડિગ્રી તાપમાન હતું. જ્યારે કેટલાક સ્થળોનું તાપમાન ત્રણથી ચાર ડિગ્રીની આસપાસ નોંધાયું થયું હતું. ઉત્તર પ્રદેશમાં પણ કેટલાક સ્થળોનું તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી પહોંચતા ભારે ઠંડકનો અનુભવ થયો હતો. પંજાબ-હરિયાણામાં પણ તાપમાન શૂન્ય ડિગ્રી આસપાસ પહોંચ્યું હતું. અમૃતસરનું તાપમાન ૦.૪, ચંદીગઢમાં ૪.૪, પટિયાલામાં ૩.૨, હિસ્સારમાં ત્રણ ડિગ્રી સુધી તાપમાન નોંધાયું હતું.
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં મધરાતનું તાપમાન માઈનસ ૧૧ થયું હતું. શ્રીનગરમાં પણ તાપમાન ૬.૪ થયું હતું. જમ્મુ-કાશ્મીરના કેટલાય સ્થળો થીજી ગયા હતા. બરફવર્ષાના કારણે સમગ્ર કાશ્મીર ઘાટીમાં બરફની ચાદર પથરાઈ ગઈ હતી.