ભારતમાં કોરોના વાઇરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા એક કરોડને પાર થઇ ગઇ છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ત્રણ લાખ પર પહોંચ્યો છે. ભારત સરકારના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં 95 લાખથી વધુ દર્દીઓ સાજા થઇ ગયા હતા. કોરોના પોઝિટિવિટી રેટમાં પણ નોંધપાત્ર એવો ઘટાડો નોંધાયો છે. સીરમ ઇન્સ્ટિટ્યૂટ અને ફાઇઝરની રસી પણ ઉપલબ્ધ થઇ રહી હોવાથી આવતા મહિને રસી આપવાનું શરૂ થઇ જશે. જોકે, સુપ્રીમ કોર્ટે જણાવ્યા મુજબ લોકો માસ્ક પહેરતાં નથી અને સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવતા નથી એટલે સંક્રમણ વધી રહ્યું છે. ભારતમાં કોરોના સંક્રમણને ઘટાડવા સરકારે લીધેલાં પગલાંની વિશ્વએ નોંધ લીધી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ રોજ નોંધાતા સરેરાશ કેસની સંખ્યામાં પણ સારો એવો ઘટાડો થયો છે. ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા દર્દીઓની સંખ્યા 1, 44, 789 પર પહોંચી છે.