કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે શનિવાર, 27 ફેબ્રુઆરી 2021ના રોજ જમ્મુના સ્થાનિક પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી હતી. (PTI Photo)

કોંગ્રેસના 23 વરિષ્ઠ નેતાઓ પક્ષની નેતાગીરી (ગાંધી પરિવાર) સામે બળવાના સંકેત આપી રહ્યાં છે. આ જૂથના નેતાઓમાં સામેલ નેતા ગુલામ નબી આઝાદે રવિવારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વાત એ છે કે તેમણે ક્યારેય તેમના ખરા વ્યક્તિત્વને છૂપાવવાનો પ્રયાસ કર્યો નથી. આઝાદે જણાવ્યું હતું કે, મને ઘણા બધા નેતાઓની ઘણી વાતો ગમે છે. હું ગામડેથી આવું છું અને હું ગર્વ અનુભવુ છું. આપણા વડાપ્રધાન પણ ગામડેથી આવે છે અને ચા વેચતા હતા. અમે રાજકીય હરીફો છીએ, પરંતુ હું એક વાતની પ્રશંસા કરીશ કે તેમણે ક્યારેય તેમના ખરા વ્યક્તિત્વને છૂપાવ્યું નથી. કોંગ્રેસી નેતાએ ઉમેર્યું હતું કે દેશ-વિદેશમાં પ્રવાસ કરવા અને 5-સ્ટાર તથા 7-સ્ટાર હોટલમાં રહેવાનું થતું હોવા છતાં જ્યારે હું ગામના લોકોને મળું છું ત્યારે મને ઘણો આનંદ આવે છે.

અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાંથી આઝાદની વિદાય પ્રસંગે તેમની પ્રશંસા કરી હતી. બજેટ સેશન વખતે રાજ્યસભામાં આઝાદનો કાર્યકાળ સમાપ્ત થયો હતો અને તે પ્રસંગે વડાપ્રધાન મોદી તેમની પ્રશંસા કરતા રડી પડ્યા હતા.

કોંગ્રેસ હાઈકમાનથી નારાજ આ સીનિયર નેતાઓને G-23ના નામથી ઓળખવામાં આવે છે. 135 વર્ષ જૂની કોંગ્રેસ ફરી એક વખત સંકટ સમયમાંથી પસાર થઈ રહી છે. કોંગ્રેસમાંથી વરિષ્ઠ નેતાઓના જૂથ (G-23) પક્ષના હાઇ કમાન્ડ સામે બળવાના સંકેત આપી રહ્યું છે. આ જૂથમાં ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલ જેવા સીનિયર નેતાઓ છે. કોંગ્રેસ પાર્ટીના G-23 નેતાઓના આ જૂથે દેશવ્યાપી ‘સેવ ધ આઈડિયા ઓફ ઈન્ડિયા’ કેમ્પેઈન લોન્ચ કર્યું છે. તે માટે રેલીઓ અને જનસભાની શરૂઆત શનિવારથી જમ્મુથી કરવામાં આવી હતી.