બિઝનેસ સેક્રેટરી ક્વેસી ક્વાર્ટેન્ગ (Photo by Leon Neal/Getty Images)

ગ્રાહકો સાથે છેતરપિંડી કરતી કંપનીઓએ તેમના ટર્નઓવરના 10 ટકા સુધી પેનલ્ટી ચુકવવા તૈયાર રહેવું પડશે. બ્રેક્ઝિટ પછી સ્પર્ધા ઓથોરિટીને નવી સત્તા આપવાની સરકારની યોજના હેઠળ આ દરખાસ્ત કરવામાં આવી છે.
બિઝનેસ સેક્રેટરી ક્વેસી ક્વાર્ટેન્ગ દ્વારા જાહેર થનારી આ દરખાસ્તો હેઠળ કમ્પેટિશન એન્ડ માર્કેટ્સ ઓથોરિટી (CMA) ગ્રાહક કાયદાના ઉલ્લંઘન બદલ કોર્ટમાં કેસ કર્યા વગર કંપનીઓને સીધી પેનલ્ટી ફટકારી શકશે.

ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દાવા કરતી, ગેરવાજબી નિયમો અને શરતો રાખતી કે નિયંત્રિત કોન્ટ્રાક્ટ કરતી કંપનીઓ સામે તેમના વૈશ્વિક ટર્નઓવરના 10 ટકા સુધી પેનલ્ટી ફટકારી શકાશે.

ક્વાર્ટેન્ગ નવી કંપનીઓને “કિલર એક્વિઝિશન” સામે રક્ષણ આપવા માટે પણ સ્પર્ધાને ઓથોરિટીની વધુ સત્તા આપવા માગે છે. તેનાથી હરીફ નાની કંપની નવી સર્વિસ કે પ્રોડક્ટ્સ લોન્ચ કરે તે પહેલા મોટી કંપની તેને ખરીદી શકશે નહીં.

સ્પર્ધા ઓથોરિટીને ડિજિટલ માર્કેટપ્લેસના નિયમન માટે પણ નવી સત્તા મળશે. નવા કાયદા હેઠળ ડિજિટલ માર્કેટ્સ યુનિટની સ્થાપના કરવામાં આવશે, જે દિગ્ગજ ટેકનોલોજી કંપનીઓ માટે કડક આચારસંહિતા બનાવશે.

સ્પર્ધા ઓથોરિટીની જટિલ અમલીકરણ પ્રક્રિયાને વેગવંતી બનાવવા માટે બિઝનેસ સેક્રેટરીએ આ ઓથોરિટીને વચગાળાના પગલાંના સંદર્ભમાં વધુ સત્તા આપવાની દરખાસ્ત કરી છે. તેનાથી નુકસાનકારક બિઝનેસ પ્રણાલીની ઔપચારિક તપાસ પૂરી થાય તે પહેલા તે વચગાળાના પગલાં લઈ શકશે.

નવી દરખાસ્ત હેઠળ સીએમએ તેની તપાસના કોઇ પણ તબક્કા દરમિયાન કંપનીઓ પાસેથી બંધનકર્તા, સ્વૈચ્છિક પ્રતિબદ્ધતાનો પણ સ્વીકાર કરી શકશે, જેનાથી ઝડપથી નિર્ણય થઈ શકશે અને બંને પક્ષોનો ખર્ચ ઘટશે.
નવી દરખાસ્ત મુજબ 10 મિલિયન પાઉન્ડથી ઓછી રકમના નાના મર્જર્સને સીએમએના મર્જર કંટ્રોલ નિયમોમાંથી બાકાત રાખવામાં આવશે.