ગુજરાત સરકારે બુધવારે કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટના ભાવમાં મોટો ઘટાડો કર્યો હતો. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વડપણ હેઠળ યોજાયેલી બેઠક બાદ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, હવે ખાનગી લેબમાં આરટી-પીસીઆર ટેસ્ટ 400 રૂપિયામાં થશે. સરકારે ટેસ્ટમાં 300 રૂપિયાનો ઘટાડો કર્યો છે. અગાઉ ખાનગી લેબમાં 700 રૂપિયા ટેસ્ટ માટેના લેવાતા હતા. ત્યારબાદ દર્દીના ઘરે જઈને ટેસ્ટના ભાવમાં પણ ઘટાડો કરાયો છે. દર્દીના ઘરે આરટી-પીસીઆર ટેસ્ટ માટે 550 રૂપિયા લેવામાં આવશે. જ્યારે અગાઉ દર્દીના ઘરે RTPCR ટેસ્ટ માટે 900 રૂપિયા ચાર્જ લેવામાં આવતો હતો. સરકારી હોસ્પિટલોમાં કોરોનાના મફતમાં ટેસ્ટ કરવામાં આવે છે.

એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટના 2700 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. આ પહેલાં એરપોર્ટ પર તેના 4 હજાર રૂપિયા આરટી-પીસીઆરના લેવામાં આવતા હતાં.

નીતિન પટેલે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કોરોનાના થર્ડ વેવને લઇને રાજ્ય સરકાર ગંભીર છે. જેના કારણે કોરોના આરટી પીસીઆર ટેસ્ટમાં ધરખમ ઘટાડા સાથે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. રાજ્યમાં હવે ધીમે ધીમે છૂટછાટ પણ આપવામાં આવી રહી છે, ત્યારે રાજ્યમાં તમામ નાગરિકોને વેક્સિન આપીને સુરક્ષિત કરવાનો નિર્ણય કરાયો છે. હવેથી આગામી રવિવારે જેઓને કોરોના વેક્સિનનો બીજો ડોઝ આપવાનો બાકી હશે તેઓને પણ હવે રસી આપવામાં આવશે.