COVID-19 INDIA UPDATE : PTI GRAPHICS(PTI2_19_2021_001010001)

ભારતમાં શુક્રવાર, 19 ફેબ્રુઆરીએ કોરોનાના નવા કેસોમાં ત્રણ સપ્તાહમાં સૌથી મોટો વધારો થયો હતો. કોરોનાના કેસોમાં ફરી વધારાના ટ્રેન્ડને પગલે વિવિધ રાજ્ય સરકારો સાવધ બની છે. મહારાષ્ટ્ર સરકારે યવતમાલ જિલ્લામાં 10 દિવસની લોકડાઉન તથા અમરાવતીમાં કડક નિયમોની જાહેરાત કરી હતી. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં માસ્કના નિયમોનું પાલન કરાવવા માટે 5,000 માર્શલને કામે લગાડ્યા હતા. 300 માર્શલનને રેલવે નેટવર્કમાં મૂકવામાં આવ્યા હતા. મુંબઈ માટે નવી કોરોના ગાઇડલાઇન જારી કરાઈ હતી.

ભારતમાં કોરોનાના કુલ કેસ 10.96 મિલિયન થયા છે, જે અમેરિકા પછી વિશ્વમાં સૌથી વધુ છે. જોકે સેરોલિજિકલ સરવેના મુજબ વાસ્તવિક આંકડો આશરે 300 મિલિયન જેટલો ઊંચો છે. તાજેતરના દિવસોમાં 75 ટકા કેસો કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે.

આરોગ્ય મંત્રાલયે શુક્રવારે સવારે જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં 13,193 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા 25 દિવસમાં સૌથી વધુ છે. 30 જાન્યુઆરી પછી આ પહેલીવાર છે, જ્યારે નવા કેસોની સંખ્યા 13 હજારથી ઉપર નોંધાઈ છે. મહારાષ્ટ્રની સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. કેરળની સ્થિતિ પણ સારી નથી.
5,427 નવા કેસ સાથે મહારાષ્ટ્ર છેલ્લા 78 દિવસથી રેકોર્ડ તોડ્યો હતો.4 ડિસેમ્બર પછી પહેલીવાર દૈનિક કેસની સંખ્યા 5000ને વટાવી ગઈ હતી. યવતમાલ, અમરાવતીમાં સખત નિયંત્રણો લાદવામાં આવ્યા હતો. મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈ માટે કડક માર્ગદર્શિકા જારી કરી હતી. અમરાવતી અને અકોલા જિલ્લામાં નવો સ્ટ્રેન ફેલાઈ રહ્યો છે તેને ‘વધુ ચેપી’ ગણાવવામાં આવે છે.

મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લામાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત થઈ હતી. ધોરણ 5થી 9 સુધીની શાળાઓ, કોલેજો અને કોચિંગ ક્લાસ 28 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. વધુમાં વધુ 50 લોકોને લગ્નમાં જોડાવાની મંજૂરી આપવામાં આવશે. ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે, પરંતુ કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવું પડશે. રેસ્ટોરન્ટ્સ અને હોટલો સવારે 8થી 9.30 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. બજારો અને દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી ખુલ્લા રહેવાની છૂટ રહેશે.

અમરાવતીમાં વીકએન્ડ લોકડાઉનની જાહેરાત થઈ હતી. શનિવારે રાત્રે 8 વાગ્યાથી સોમવારે સવારે 7 વાગ્યે લોકડાઉન થશે. આ સમય દરમિયાન બજારો અને અન્ય સંસ્થાઓ બંધ રહેશે. આવશ્યક સેવાઓ પર આ પ્રતિબંધ લાગુ થશે નહીં. હોટેલ અને રેસ્ટોરન્ટને રાત્રે 8 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકાએ ગુરુવારે વધતા જતા કેસો વચ્ચે મુંબઇ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. જો કોઈ બિલ્ડિંગમાં 5 અથવા વધુ કોરોના દર્દીઓ મળશે તો તેને સીલ કરાશે. જે લોકો ઘરમાં ક્વોરેન્ટાઈન છે તેમના હાથ પર ક્વોરેન્ટાઈન માર્ક કરાશે.