Getty Images)

બાબા રામદેવની દવા કોરોનિલ ટેબલેટ પર મહારાષ્ટ્ર સરકારે પણ પ્રતિબંધ લગાવી દીધો છે. આ પહેલા રાજસ્થાન સરકારે પણ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, કોરોનિલના ક્લીનિકલ ટ્રાયલ અંગે હજુ સુધી કોઈ ઠોસ માહિતી મળી શકી નથી. એવામાં મહારાષ્ટ્રમાં દવાના વેચાણ પર પ્રતિબંધ રહેશે. આ પહેલા મંગળવારે ડેપ્યુટી સીએમ અજીત પવારે કહ્યું હતું કે, જેણે વિશ્વાસ હોય એ જ આ દવાનું સેવન કરે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે ગુરુવારે ટ્વિટર પર લખ્યું કે, નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જયપુર પતંજલિના ‘કોરોનિલ’નું ટ્રાયલ કરાયો હતો કે નહીં તે અંગે તપાસ કરશે. અમે બાબા રામદેવને ચેતવણી આપીએ છીએ કે અમારી સરકાર મહારાષ્ટ્રમાં નકલી દવાઓના વેચાણની મંજૂરી નહીં આપે.પતંજલિ આયુર્વેદની કોરોના દવા અંગે આયુષ મંત્રી શ્રીપદ નાઈકે બુધવારે કહ્યું કે, આ સારી વાત છે કે યોગ ગુરુ બાબા રામદેવે દેશને નવી દવા આપી છે.

પરંતુ નિયમ પ્રમાણે પહેલા આયુષ મંત્રાલયમાં તપાસ કરાવવા માટે આપવી પડશે. રામદેવે મંગળવારે કોરોનાની દવા બનાવવાનો દાવો કર્યો હતો. કોરોનિલ અને શ્વસારિ નામની દવા લોન્ચ કરતી વખતે રામદેવે કહ્યું હતું કે, આનાથી માત્ર 7 દિવસમાં દર્દી 100% સાજા થઈ જશે. સરકારે દવાના લોન્ચિંગના પાંચ કલાક પછી જાહેરાતને અટકાવી દીધી હતી.

સરકારે કહ્યું કે, દવાની વૈજ્ઞાનિક તપાસ નથી થઈ. આયુર્વેદ મંત્રાલયે દવાના લાયસન્સ સહિત દવામાં ઉપયોગમાં લેવાતી સામગ્રી, દવા પર રિસર્ચની જગ્યા, હોસ્પિટલ, પ્રોટોકોલ, સેમ્પલનો આકાર, ઈન્સ્ટીટ્યૂશનલ એથિક્સ કમિટિ ક્લીઅરન્સ, ક્લીનિકલ ટ્રાયલ રજિસ્ટ્રેશન અને ટ્રાયલના પરિણામનો ડેટા માંગ્યો છે.

પંતજલિએ મંગળવારે મોડી સાંજે આયુષ મંત્રાલયને 11 પાનનો જવાબ મોકલ્યો છે. તો બીજી તરફ ઉત્તરાખંડ આયુષ ડિપાર્ટમેન્ટના લાયસન્સ ઓફિસરે બુધવારે કહ્યું કે, પતંજલિની એપ્લિકેશન પ્રમાણે, અમે તેમને જે લાયસન્સ આપ્યું હતું. જેમાં તેમણે કોરોના વાઈરસનો ઉલ્લેખ કર્યો નથી. અમે તેમને ઈમ્યુનિટી બૂસ્ટર, ખાંસી અને તાવ માટે લાયસન્સની મંજૂરી આપી હતી. અમે તેમને નોટિસ આપીને પુછીશું કે, તેમણે કોવિડ-19ની કીટ માટે મંજૂરી ક્યાંથી લીધી.

રામદેવે જણાવ્યું હતું કે, કોરોનિલ અને શ્વસારિએ કોરોના ટ્રાયલમાં 100 ટકા સાચા પરિણામ આપ્યા છે. પતંજલિ રિસર્ચ સેન્ટર અને જયપુરના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સે તમામ પ્રોટોકોલનું પાલન કરીને ક્લીનિકલ ટ્રાયલ કર્યો હતો. ટ્રાયલમાં 3 દિવસમાં 69% દર્દી સાજા થયા, જ્યારે 7 દિવસમાં 100% સાજા થયા હતા. ICMRની મંજૂરીનો સવાલ ટાળી દીધો હતો. રામદેવે કહ્યું હતું કે, ગંભીર દર્દી ટ્રાયલમાં સામેલ ન હતા.તેની પર બીજા તબક્કામાં પરીક્ષણ કરવામાં આવશે.