સુરતની એક કોર્ટે ગુરુવારે ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ અને અન્ય ત્રણ લોકો સામે 2015ના પાટીદાર અનામત આંદોલન સાથે જોડાયેલા રાજદ્રોહના કેસને પાછો ખેંચવાની રાજ્ય સરકારની અરજીને મંજૂરી આપી હતી.
મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ આર.એ. ત્રિવેદીની કોર્ટે હાર્દિક પટેલ અને તેમના તત્કાલીન સહાયકો અલ્પેશ કથીરિયા, વિપુલ દેસાઈ અને ચિરાગ દેસાઈ સામે રાજદ્રોહનો કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને મંજૂરી આપી હતી.
આ વર્ષે માર્ચમાં અમદાવાદની એક સેશન્સ કોર્ટે 2015ના પાટીદાર અનામત આંદોલન સંબંધિત હાર્દિક પટેલ અને અન્ય ચાર લોકો સામેનો રાજદ્રોહનો કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને મંજૂરી આપી હતી. 2015માં પાટીદાર સમાજે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં OBC અનામત હેઠળ અનામતની માંગણી સાથે હિંસક વિરોધ પ્રદર્શનો કર્યા હતાં.
પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના તત્કાલીન કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ ઓક્ટોબર 2015માં સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં તેમના સમુદાયના યુવાનોને આત્મહત્યા કરવાને બદલે પોલીસ કર્મચારીઓને મારી નાખવા માટે ઉશ્કેરવાની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી બદલ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
2019માં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયાં હતા અને ૨૦૨૦માં કોંગ્રેસનાના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા હતાં. તેઓ ૨૦૨૨માં ભાજપમાં જોડાયા હતા અને તે જ વર્ષે તેમણે વિરમગામ મતવિસ્તારમાંથી રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીતી હતી.
હાર્દિક પટેલના વકીલ યશવંત વાળાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અગાઉ પાટીદાર આંદોલનને લગતા લગભગ 90 ટકા કેસ પાછા ખેંચવાનો આદેશ આપતું જાહેરનામું બહાર પાડ્યું હતું, જેમાં રાજદ્રોહના કેસોનો પણ સમાવેશ થાય છે.














