પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

અમેરિકાના એક ફેડરલ ન્યાયાધીશે ટ્રમ્પ વહીવટીતંત્રની ફાસ્ટ-ટ્રેક ડિપોર્ટેશનની નીતિ પર સ્ટે મૂકીને જણાવ્યું હતું કે આ નીતિ માઇગ્રેન્ટ્સના બંધારણીય યોગ્ય પ્રક્રિયાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. વોશિંગ્ટન ડી.સીમાં યુએસ ડિસ્ટ્રિક્ટ જજ જિયા કોબ એક ઇમિગ્રન્ટ રાઇટ્સ ગ્રુપની તરફેણમાં ચુકાદો આપીને જાન્યુઆરીમાં ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રે અપનાવેલી બે નીતિઓ પર સ્ટે મૂક્યો હતો. આ નીતિઓને કારણે લાખ્ખો માઇગ્રન્ટ્સ પર દેશનિકાલનું જોખમ ઊભું થયું હતું.

ટ્રમ્પે બીજી ટર્મની શરૂઆતમાં ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીને ફાસ્ટ-ટ્રેક ડિપોર્ટેશન શરૂ કરવા માટે સત્તા આપી હતી જેમાં કોર્ટની કોઈ કાર્યવાહી વગર જ લોકોને દેશનિકાલ કરાતાં હતાં. ખાસ તો અમેરિકાની અંદરથી પકડાયેલા જે ઈમિગ્રન્ટ્સ પોતે બે વર્ષથી વધુ સમયથી યુએસમાં રહેતા હોવાનું પુરવાર ના કરી શકે તેમને કોર્ટ સમક્ષ હાજર કર્યા વગર જ હોમ કન્ટ્રીમાં મોકલવામાં આવતા હતાં.

અમેરિકામાં વર્ષોથી ફાસ્ટ-ટ્રેક ડિપોર્ટેશન નીતિ છે. જોકે આવી કાર્યવાહી મેક્સિકો બોર્ડરની આસપાસ કે તેની 100 માઈલ અંદરથી પકડાયા હોય અને જેમને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કર્યાને 14 દિવસ જેટલો સમય થયો હોય તેવા માઇગ્રન્ટ સામે થતી હતો. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ડિપોર્ટેશનની ઝડપ વધારવા માટે સમગ્ર અમેરિકામાં ગમે ત્યાંથી પકડાયેલા અને બે વર્ષથી ઓછા સમયથી દેશમાં ગેરકાયદે રહેતા તમામ લોકોને ડિપોર્ટ કરવા માટે નવી નીતિ બનાવી હતી.

યુએસ ડિસ્ટ્રિકટ કોર્ટ ફોર ધી ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયાના જજ જિયા એમ. કોબે જણાવ્યું હતું કે સરકાર શક્ય હોય તેટલા વધુ લોકોને ઝડપથી ડિપોર્ટ કરવા માટે કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરી રહી છે, જે અમેરિકાની ધરતી પર રહેતા કોઈપણ વ્યક્તિના અધિકારનો ભંગ છે. જે પ્રોસેસ હેઠળ અગાઉ મેક્સિકો બોર્ડર પરથી પકડાયેલા લોકોને પાછા મોકલવામાં આવા હતાં તેના હેઠળ હવે છેક ન્યૂયોર્કથી અરેસ્ટ થયેલા માઈગ્રન્ટ્સને પણ ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે.
દેશનિકાલ માટે આઇસીઇને અપાયેલા દરરોજ 3,000ના ટાર્ગેટનો ઉલ્લેખ કરતાં જજે જણાવ્યું હતું કે સરકાર આટલી મોટી સંખ્યામાં લોકોને અરેસ્ટ કરવા તેમજ ડિપોર્ટ કરવા માટે એવા લોકોની પણ ધરપકડ કરી રહી છે, જેમના કાનૂની કેસ ચાલી રહ્યાં છે.

ગેરકાયદે બોર્ડર ક્રોસ કરતા માઈગ્રન્ટ્સને પોતાના ડિપોર્ટેશનને કોર્ટમાં ચેલેન્જ કરવાનો કોઈ હક નથી તેવી સરકારની દલીલ ફગાવી દઇને જજે જણાવ્યું હતું કે કોઈ ઓર્થોરાઈઝેશન વગર બોર્ડર ક્રોસ કરતા માઈગ્રન્ટને પણ કેટલાક કાનૂની હક મળે છે.

LEAVE A REPLY