રાજકુમારથી લઇને વડાપ્રધાન સુધીના લોકોને થઇ રહેલી ખતરનાક કોરોના વાઈરસની બિમારીમાં બ્લેક દર્દીઓનો મૃત્યુ દર બમણો છે તેવા નવા વિશ્લેષણ પછી કોરોના વાઈરસથી સૌથી વધુ જોખમ કોને છે તેની સમીક્ષા ઝડપી બનાવવા અનુરોધ કરાયો છે. ધ રેગે સીંગર ડેલરોય વોશિંગ્ટન અને રહીમા બીબી સિધાની તાજેતરમાં મૃત્યુ પામ્યા હતા.

બ્રિટનના વંશીય લઘુમતી સમુદાયોમાં કોરોના વાઈરસના ચેપના કારણે અપ્રમાણસર દરે મરણ થઇ રહ્યા છે તેના આંકડાકીય પુરાવા હજી મળ્યા નથી પરંતુ દૈનિક ‘ધ ટાઇમ્સ’ દ્વારા NHS ના મૃત્યુ દરનુ વિશ્લેષણ કરાતા જાણવા મળ્યુ હતુ કે શ્યામ લોકો બ્રિટનના શ્વેત લોકો કરતા બમણી સંખ્યામાં હોસ્પિટલોમાં મૃત્યુ પામી રહ્યા છે.

NHS ઇંગ્લેન્ડ દ્વારા કરાયેલા વર્ગીકરણ મુજબ દર 100,000ની વસ્તીએ 23 શ્વેત બ્રિટીશ, 27 એશિયન અને 43 બ્લેક લોકો મૃત્યુ પામ્યા હતા. બાંગ્લાદેશીઓનો મૃત્યુ દર 20, કેરેબિયન લોકોનો 70, અન્ય બ્લેક લોકોનો 48, ભારતીય 30, અન્ય એશિયન 27, પાકિસ્તાની 26નો દર હતો. ગયા અઠવાડિયાના અંત સુધીમાં ઇગ્લેન્ડની હોસ્પિટલોમાં કોરોના વાઈરસથી મૃત્યુ પામેલા કુલ 12,593 લોકો પૈકી 9,646 (76.6 ટકા) શ્વેત, 1,013 (8 ટકા) એશિયન અને 801 (6.4 ટકા) બ્લેક લોકો હતા.

ઇક્વાલીટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશનના ભૂતપૂર્વ વડા ટ્રેવર ફિલિપ્સે જણાવ્યું હતું કે “જો લોકો એમ કહે છે કે આ વાઈરસ ભેદભાવ રાખતો નથી, તે ક્યાં તો મરણઆંક તરફ જોતા નથી અથવા સત્ય સ્વીકારવા માંગતા નથી.”બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ ચાંદ નાગપૌલે જણાવ્યું હતું કે ‘બ્લેક સમુદાયમાં વધુ પડતા મૃત્યુદરના સંકેતોથી તેઓ ખાસ ચિંતિત છે. ઘણા પરિબળો જવાબદાર હોઈ શકે છે, પરંતુ ઉંડાણપૂર્વકના ડેટા વિના કોઈ ચોક્કસ તારણો કાઢવા મુશ્કેલ છે.

બ્રિટનમાં બ્લેક લોકોમાં ટાઇપ-2 ડાયાબિટીઝ અને હાયપરટેન્શન સહિત અમુક પ્રકારના રોગોનું પ્રમાણ વધારે છે. આજ રીતે તેમની નોકરી અને વસવાટ પણ કારણભૂત છે. ગીચ વસતી ધરાવતા ઘરોમાં ટ્રાન્સમિશન રેટ ઉંચો રહે છે. સામાન્ય રીતે આપણે BAME લોકોને ફ્રન્ટલાઈન નોકરીમાં જોતા હોઈએ છીએ. એમાં તેઓ સામાજિક અંતર જાળવી શકતા નથી તેથી કોવિડ-19 થવાનું જોખમ વધારે છે.”

હેલ્થ સર્વિસ જર્નલે મૃત્યુ પામેલા એથનિક બેકગ્રાઉન્ડના 101 NHS સ્ટાફનું વિશ્લેષણ બહાર પાડ્યું હતું. તેમાં 35 નર્સ અને મિડવાઇફ્સ અને 19 ડોકટર્સ અને ડેન્ટીસ્ટ્સનો સમાવેશ થાય છે. BAME સ્ટાફ એકંદરે NHS કર્મચારીઓના 21 ટકા જેટલો છે. મૃત્યુ પામનારામાંથી 63 ટકા BAME બેકગ્રાઉન્ડના છે. નર્સ અને મિડવાઇફ્સમાં મૃત્યુના 71 ટકા, ડૉક્ટર અને ડેન્ટીસ્ટ્સમાં 94 ટકા તથા હેલ્થ સપોર્ટ વર્કરમાં 56 ટકા લોકો BAME મૂળના છે.સ્વીડનમાં સોમાલિ વસ્તી દેશની એકંદર વસ્તીના 0.5 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે પરંતુ હોસ્પિટલમાં દાખલ કોવિડ-19 કેસના 5 ટકા સોમાલિ છે.

અમેરિકાના શિકાગોમાં કોવિડ-19ને કારણે થયેલા કુલ મોતના  70 ટકાથી વધુ મૃત્યુ બ્લેક લોકોના થયા છે. તેઓ શહેરની વસ્તીનો ત્રીજો ભાગ છે. મિશિગનમાં આફ્રિકન-અમેરિકન વસ્તીનો હિસ્સો 14 ટકા છે પરંતુ કોરોના વાઈરસથી મૃત્યુમાં તેમની ટકાવારી 40 ટકાથી વધુ છે.કેટલાક ડોકટર્સ અને વૈજ્ઞાનિકો દલીલ કરે છે કે બીજુ પરિબળ વિટામિન ડીની ઉણપ હોઈ શકે છે, જે રોગપ્રતિકારક શક્તિ નબળી પાડે છે. ત્વચાનો રંગ ઘેરો હોય તેવા લોકોમાં મેલેનિનનું પ્રમાણ વધારે હોય છે, જે તેમને કુદરતી સૂર્યપ્રકાશ દ્વારા વિટામિન મેળવવાનું મુશ્કેલ બનાવે છે.