ક્રોયડનના હિન્દુ સમુદાયે ક્રોયડન મિત્ર મંડળ અને વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી, 30 અને 31 ઓગસ્ટના રોજ કૃષ્ણ અવંતિ સ્કૂલ ખાતે તમામ પૃષ્ઠભૂમિના રહેવાસીઓની ઉપસ્થિતીમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

પ્રથમ દિવસે ઉપસ્થિત રહેલા ક્રોયડનના સિવિલ મેયર શ્રી રિચાર્ડ ચેટરજીએ પોતાના સાંસ્કૃતિક વારસાને જાળવવાના હિન્દુ સમુદાયના સમર્પણ અને વ્યાપક સમુદાયને એક કરવાની આ તહેવારની ક્ષમતાની પ્રશંસા કરી હતી. બીજા દિવસે ઉપસ્થિત રહેલા ક્રોયડનના કાઉન્સિલર શ્રી નિખિલ થમ્પીએ રહેવાસીઓ વચ્ચે મજબૂત જોડાણો વિકસાવવામાં આવા સમુદાય મેળાવડાના મહત્વ વિશે વાત કરી હતી.

શનિવારે આ ઉત્સવની શરૂઆત ભગવાન ગણેશની ભવ્ય મૂર્તિની પરંપરાગત સ્થાપના પવિત્ર મંત્રોના જાપ સાથે થઈ હતી. ત્યારબાદ સૌએ પ્રસાદનો લાભ લીધો હતો. તો સાંજે ક્રોયડનના પ્રતિભાશાળી કલાકારો દ્વારા સંગીત અને નૃત્ય સહિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા. મુખ્ય આકર્ષણ નાના બાળકો દ્વારા રજૂ કરાયેલ મનમોહક નાટક હતું, જેમાં ભગવાન ગણેશના જન્મનું સુંદર રીતે નિરૂપણ કરવામાં આવ્યું હતું.

ઉત્સવના બીજો દિવસ પ્રાર્થના બાદ એક વર્કશોપમાં 35થી વધુ બાળકોએ ઇકો ફ્રેન્ડલી માટીથી ગણેશજીની મૂર્તિઓ બનાવવામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ક્રોયડન મિત્ર મંડળની મહિલાઓએ કરેલા લેઝીમ નૃત્યએ આકર્ષણ જમાવ્યું હતું.

રવિવારે સાંજે પરંપરાગત વિસર્જન શોભાયાત્રા સાથે ઉજવણીનું સમાપન થયું હતું. આ વર્ષે ગણેશ ઉત્સવમાં 800 થી વધુ મહેમાનોએ હાજરી આપી હતી.

LEAVE A REPLY