ધર્મસંસદ બાદ સંતોએ અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં ગતિ લાવવાની માગણી કરી હતી.(ANI Photo)

હરિદ્વારાની ધર્મસંસદમાં થયેલા કથિત ભડકાઉ ભાષણોના મુદ્દે વિવાદ વકર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે જણાવ્યું હતું કે હિન્દુત્વવાદીઓ હંમેશા ઘૃણા અને હિંસા ફેલાવે છે અને તેની તમામ સમુદાયે કિંમત ચુકવવી પડે છે. ભારત હિંસાની વિરુદ્ધમાં છે.

હરિદ્વારના વેદ નિકેતન ધામમાં 17-20 ડિસેમ્બરે યોજાયેલી ધર્મસંસદમાં એક સમુદાયની વિરુદ્ધમાં કથિત ભડકાઉ ભાષણો થયા હતા. આ પછી કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખે આ નિવેદન આપ્યું છે. ધર્મ સંસદનું આયોજન જૂના અખાડાના યતી નરસિંહાનંદ ગીરીએ કર્યું હતું. મુસ્લિમો સામે કથિત હેટ સ્પીચ અને હિંસા ભડકાવવા બદલ પોલીસ તેમની તપાસ કરી રહી છે.

ભારત હિન્દુત્વની વિરુદ્ધમાં અને હરિદ્વારા હેટ એસેમ્બીના હેશગેટ સાથે હિન્દીમાં કરેલી ટ્વીટમાં રાહુલે જણાવ્યું હતું કે હિન્દુત્વવાદીઓ હંમેશા ધિક્કાર અને હિંસાનો ફેલાવો કરે છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીઓએ તેની કિંમત ચુકવવી પડે છે. પરંતુ હવે આવું થવું જોઇએ નહીં.

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ પણ હિંસા અને ધિક્કાર ફેલાવતા લોકો સામે સખ્ત પગલાં લેવાની માગણી કરી હતી. પ્રિયંકાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ પ્રકારે ધિક્કાર અને હિંસાનો ફેલાવો કરતાં લોકો સામે આકરા પગલાં લેવા જોઇએ. તે નિંદનીય છે કે આપણા સન્માનીય ભૂતપૂર્વ પીએમની હત્યાની ખુલ્લી હાંકલ કરતા અને વિવિધ સમુદાયના લોકો વિરુદ્ધ હિંસા ફેલાવતા લોકોને છૂટો દોર મળ્યો છે. આવા કૃત્યો આપણા બંધારણના અને કાયદાનું ઉલ્લંઘન કરે છે.

પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે હરિદ્વારમાં ધર્મ સંસદમાં લઘુમતીઓ સામે હિંસા ભડકાવવા કરવામાં આવેલા કથિત હેટ સ્પીચના સંદર્ભમાં જિતેન્દ્ર નારાયણ ત્યાગી અને બીજા લોકો સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.આ મહિને હિન્દુ બનેલા વસીમ રિઝવીએ પોતાનું નામ બદલીને જિતેન્દ્ર નારાયણ ત્યાગી રાખ્યું છે. ત્યાગી અને અન્ય લોકો સામે ભડકાઉ ભાષણો આપવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ ભાષણોની વીડિયો ક્લિપ સોસિયલ મીડિયામાં ફરતી થઈ છે.

હરિદ્વારના જ્વાલાપુરના રહેવાસીની ફરિયાદને આધારે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સોસિયલ મીડિયામાં ફરતી વીડિયો ક્લિપ અંગે પોલીસે જણાવ્યું હતું કે પોલીસ પાસે આ સભાના કોઇ ફૂટેજ નથી. ટીએમસીના વરિષ્ઠ નેતાએ પણ ગુરુવારે ધર્મસંસદના આયોજકો અને વક્તા સામે તાકીદે પગલાં લેવાની માગણી કરી હતી.