પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વડોદરાના વડસર વિસ્તારમાં મકરપુરા જીઆઈડીસીની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર ફાટતાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ચારના મોત થયા હતા અને 10 વ્યક્તિ ઘાયલ થયા હતા. ફાયર બ્રિગેડે આગ કાબુમાં લઇ 10 જણાને હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ દુર્ઘટનામાં 40 વર્ષીય એક પુરૂષ, માતા-પુત્રી સહિત 4 લોકોના મોત થયા હતા. વડસર રેલવે બ્રિજ પાસે આવેલી કેન્ટોન લેબોરેટરીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સવારે સાડા નવ વાગ્યાની આસપાસ પ્લાન્ટમાં પ્રોડક્શન નું કામ ચાલતું હતું તે દરમિયાન બોઇલર ફાટ્યું હતું.

બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના 5 કિમી વિસ્તારના મકાનોની કાચની બારીઓ અને દીવાલોમાં તિરાડો પડી હતી. ગભરાયેલા લોકો તરત જ ઘરની બહાર નીકળી આવ્યા હતા. કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની જાણ થતા ફાયર બ્રિગેડનો કાફલો દોડી આવ્યો હતો જ્યારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા.ફાયર બ્રિગેડ પહોંચી ત્યારે બોઇલર ફાટ્યું તે વિસ્તારમાં કાટમાળ વેર વિખેર હતો. જ્યારે નજીકમાં કામદારો માટે બનાવવામાં આવેલા કાચા મકાનો પણ ધરાશાયી થયા હતા.