અનેક દેશોમાં કોરોના અને તેના નવા વેરિઅન્ટ-ઓમિક્રોનના કેસોમાં વધારો જોતા અમેરિકામાં બાઇડેન એડમિનિસ્ટ્રેશને આવતા વર્ષ દરમિયાન H-1B સહિતની વિવિધ કેટેગરીના વિઝા માટે જરૂરી વ્યક્તિગત ઇન્ટર્વ્યૂને રદ્ કરવાનો નિર્ણય લીધો છે.
વર્ષ 2022માં અમેરિકામાં નોકરી માટે જરૂરી H-1B અને સ્ટુડન્ટ વિઝા મેળવવા ઇચ્છતા લોકોએ હવે વિઝા મેળવવા અમેરિકન કોન્સ્યુલેટમાં જવાની જરૂર રહેશે નહીં. આથી તેમનો આર્થિક ખર્ચ પણ ઘટશે અને પ્રવાસની સમસ્યા પણ દૂર થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે અમેરિકાની જુદી જુદી કેટેગરીના વિઝા માટે અરજી કરનારા વિદેશીઓમાં ભારતીયોની સંખ્યા ખૂબ મોટી હોય છે, આથી આ નિર્ણયથી ભારતીયોને ઘણો મોટો ફાયદો થશે.
અમેરિકન એડમિનિસ્ટ્રેશને ખેલાડી, વિવિધ પ્રકારના આર્ટીસ્ટ માટે જરૂરી વિઝા માટેના વ્યક્તિગત ઇન્ટરવ્યૂ પણ રદ કર્યા હોવાથી અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ભારતમાંથી અમેરિકા જતા કલાકારોને પણ આ નિર્ણયથી લાભ થશે.
ઉલ્લેખનીય છે કે અત્યારની સીસ્ટમ મુજબ અમેરિકાના વિઝિટર, નોકરી માટે જરૂરી એચ-1બી અને સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરનારા લોકોને અમેરિકન કોન્સ્યુલેટમાં ઇન્ટરવ્યૂ આપવા જવું પડે છે.
H-1B એ નોન-ઇમિગ્રન્ટ વિઝા છે જે અમેરિકાની કંપનીઓને ચોક્કસ શ્રેણીમાં આવતા વિશેષ પ્રોફેશનમાં નોકરીએ રાખવા વિદેશી કર્મચારીઓની નિમણૂકો કરવાની મંજૂરી આપે છે. સામાન્ય રીતે મોટાભાગની ટેકનોલોજિકલ કંપનીઓ આ વિઝાનો લાભ ઉઠાવી ભારતમાંથી કર્મચારીઓની વધુ નિયુક્તી કરે છે.
અમેરિકન ફોરેન એડમિનિસ્ટ્રેશનની પ્રેસ રીલીઝ મુજબ વિશ્વભરમાં અમેરિકન કોન્સ્યુલેટમાં હંગામી ધોરણે અનેક વિઝા માટે જરૂરી ઇન્ટરવ્યૂને રદ કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવે છે.
તેમાં H-1B, સ્ટુડન્ટ વિઝા, H-3 વિઝા (ટ્રેઇનીંગ અથવા વિશેષ એજ્યુકેશન વિઝિટર), એલ વિઝા (ઇન્ટર કંપની ટ્રાન્સફરીઝ, ઓ વિઝા( અસાધારણ ક્ષમતા ધરાવતી વ્યક્તિ માટે) પી વિઝા (રમતવીર, કલાકાર અને મનોરંજન કાર્યક્રમ આપનારા લોકો માટે), ઇન્ટરનેશનલ કલ્ચરલ એક્સચેન્જ કાર્યક્રમમાં ભાગ લેનારાઓ માટે- ક્યુ વિઝાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નોન ઇમિગ્રન્ટ કેટેગરીમાં એચ-2 વિઝા, સ્ટુડન્ટના એફ અને એમ વિઝા, એકેડેમિક જે વિઝાના અરજદારોને પણ આ લાભ મળશે.