ઇસ્ટ એન્ડ ફૂડ્સના સ્થાપક ડોન વૌહરાનું ટૂંકી માંદગી પછી નિધન

0
576

યુકેમાં એશિયન ફૂડનો ચહેરો બદલી નાંખનાર અને 1972માં વુલ્વરહેમ્પ્ટનમાં ઇસ્ટ એન્ડ ફૂડ્સ મસાલા કંપનીની સ્થાપના કરનાર ઇસ્ટ એન્ડ ફૂડ્સના સ્થાપક ડોન વૌહરાનું ટૂંકી બીમારી બાદ તા. 10 મેના રોજ રવિવારે નિધન થયું હતું.

ડોન પાંચ શીખ ભાઈઓમાંથી સૌથી નાના હતા અને 1960ના દાયકામાં પાકિસ્તાન અને ત્યારબાદ નવી દિલ્હી થઈને યુકે પહોંચ્યા હતા. તેમણે શરૂઆતમાં ઘરે ઘરે માંસ અને તાજા શાકભાજીનુ વેચાણ કરીને બિઝનેસ શરૂ કર્યો હતો. તે સમયે મિડલેન્ડ્સમાં એશિયન સમુદાયનો વિકાસ થતો જોઇને વૌહરા ભાઈઓએ ટૂંક સમયમાં સાઉથ એશિયન ખોરાક પૂરો પાડવાની તક ઝડપી લીધી હતી.

જેના પગલે કેશ-એન્ડ-કેરી ડેપો અને ત્યારબાદ હોલસેલ અને ખાદ્યસામગ્રીના ઉત્પાદનની શરૂઆત કરી હતી. તે પછી તેમણે બર્મિંગહામના આસ્ટનમાં જૂની એચપી સૉસ ફેક્ટરી સાઇટ ખરીદી 2010માં તેના પર યુરોપની સૌથી મોટી ચોખાની મિલ બનાવી હતી. 2017સુધી ઇસ્ટ એન્ડ ફુડ્સનુ નોંધાયેલુ મૂલ્ય £200 મિલીયનનું હતું જેને ડોને બિલીયન પાઉન્ડની સંસ્થામાં ફેરવવા યોજના કરી હતી.

ડોનને શ્રદ્ધાંજલિ આપતા એફડબ્લ્યુડીના સહયોગી ડિરેક્ટર માર્ટિન વિલિયમ્સે જણાવ્યું હતું: “ડોન હોલસેલ ટ્રેડમાં સૌથી લોકપ્રિય વ્યક્તિ હતા અને પોતાની મહેનત અને ધંધાની કુશળતા માટે જાણીતા હતા.’’

ચાર્ટર્ડ ડિરેક્ટર, લો ગ્રેજ્યુએટ અને માનદ ડોકટરેટ-હોલ્ડર ડોન સાત વર્ષ પહેલાં, માત્ર 36 વર્ષની ઉંમરે વેસ્ટ મિડલેન્ડ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિરેક્ટરની સૌથી ઓછી ઉંમરના રીજનલ ડાયરેક્ટર બન્યા હતા. ટુડેઝ જૂથમાં 2018માં મર્જર પછી, તેઓ લેન્ડમાર્ક ગૃપના લાંબા સમયથી સેવા આપતા અને સમર્પિત બોર્ડ મેમ્બર હતા.

લેન્ડમાર્ક ગૃપના સાથીદાર હોલસેલર સ્ટીવ પરફેટે કહ્યું હતુ કે ‘’ડોન મારા સમય દરમિયાન લેન્ડમાર્કના અધ્યક્ષ તરીકે બોર્ડના સભ્ય તરીકેનો મારા પડખે હતા. તેમનું હાસ્ય મઝાનું હતુ. તેમને ઓળખનારા બધા લોકો તેમને માન આપતા હતા.”

અકાળ મૃત્યુથી વૌહરા પરિવાર સ્વાભાવિક રીતે આઘાતમાં છે. “દર્શન (ડોન) મજબૂત કૌટુંબિક મૂલ્યો ધરાવતા હતા અને દર્શનને તેના બાળકો, રોહિત અને સિમરન અને પત્ની રવિંદર પર ખૂબ જ ગર્વ હતો. તે કાયમ તેમના હૃદય અને સ્મૃતિમાં રહેશે.” એમ પરિવારના પ્રવક્તાએ કહ્યું હતું.